February 13, 2025

PM મોદીએ ‘World Radio Day’ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી, કહ્યું-રેડિયો લોકોને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ

World Radio Day: PM નરેન્દ્ર મોદીએ આજે ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે સંદેશાવ્યવહારનું આ માધ્યમ લોકોને માહિતી આપવા, પ્રેરણા આપવા અને જોડવા માટે શાશ્વત જીવનરેખા રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ મહિનાના છેલ્લા રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થનારા તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના નવા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા હતા. દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ સામાન્ય લોકો અને સમાચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને નીતિ નિર્માતાઓને રેડિયો દ્વારા માહિતી પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે.

રેડિયો સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન આપે છે
PM મોદીએ X પર પોસ્ટમાં કહ્યું, “તમને વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ. રેડિયો લોકોને માહિતી આપવા, પ્રેરણા આપવા અને જોડવા માટે શાશ્વત જીવનરેખા રહ્યો છે. સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી, તે એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતાને પણ પ્રેરણા આપે છે.