February 13, 2025

LoC પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં 4 થી 5 સૈનિકોના મોત

Jammu Kashmir: પૂંછના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગઈકાલે ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યારે હવે ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને વળતો જવાબ આપ્યો છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ ગોળીબારમાં પાકિસ્તાની સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે.

પાકિસ્તાન છેલ્લા એક અઠવાડિયાથી LOC દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને તેથી ભારતીય સેના પાકિસ્તાનના દરેક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહી છે.

પાકિસ્તાન દ્વારા સતત ઘડવામાં આવી રહેલા કાવતરાઓને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત, જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને આઈજીપી જમ્મુ પણ હાજર રહેશે.

આ પણ વાંચો: પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય સેનાનો વળતો જવાબ
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પારથી થયેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

બે ભારતીય સૈનિકો પણ શહીદ થયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે એક દિવસ પહેલા જ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યા હતા.