March 15, 2025

જમ્મુ-કાશ્મીર: LoC નજીક IED બ્લાસ્ટ, બે જવાન શહીદ, એક ઘાયલ

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED બ્લાસ્ટમાં 2 જવાન શહીદ થયા, જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આજે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમા 3 જવાન ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની ટીમ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા. માહિતી મળતાની સાથે જ સેનાના વધારાના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા, ઘાયલ જવાનોને હોસ્પિટલ લઈ ગયા અને આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું.