Education Budget 2025: શિક્ષણ બજેટમાં 6.65%નો વધારો, જાણો કઈ-કઈ મોટી જાહેરાત કરી
Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણામંત્રી તરીકે તેમનું રેકોર્ડ આઠમું બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2025માં શિક્ષણ માટે રૂ. 1,28,650.05 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 6.65 ટકાનો વધારો છે. નોંધનીય છે કે ગયા વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 1.21 લાખ કરોડ રૂપિયા શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે હતા.
AI શિક્ષણ પર ફોકસ રહેશે
નાણામંત્રીએ કહ્યું કે, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના શિક્ષણ માટે એક ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. મેડિકલ કોલેજોમાં 10 હજાર વધારાની સીટો વધારવામાં આવશે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવશે. 2025-26માં આવા 200 કેન્દ્રો બનાવવામાં આવશે.
ઓનલાઈન પ્લેટફોર્મ કામદારો માટે પણ યોજના
સરકાર તેમને તેમના ઓળખ કાર્ડ બનાવવામાં મદદ કરશે અને તેમને ઈ-શ્રમ કાર્ડ પ્રદાન કરશે. તેનાથી 1 કરોડ ગીગ વર્કર્સને ફાયદો થશે.
ભારતીય ભાષા પુસ્તક યોજના
શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્ર માટે નિર્મલા સીતારમણે IITનું વિસ્તરણ કરવાની યોજના જાહેર કરી છે. આ સંદર્ભે 5 IIT માટે વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 6,500 નવી બેઠકો ઉમેરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, IIT પટનામાં હોસ્ટેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારશે.
બિહારમાં નવી સંસ્થા ખુલશે
બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી શરૂ કરવામાં આવશે. તેનાથી સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મદદ મળશે.
અટલ ટિંકરિંગ લેબ
નવીનતા વધારવા માટે સરકારી શાળાઓમાં આવી 50 હજાર લેબની સ્થાપના કરવામાં આવશે. ભારતીય ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે, કૌશલ્ય માટે પાંચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે. આ મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્ય હેઠળ કરવામાં આવશે.
IIT, IISc માટે 10,000 PM સંશોધન શિષ્યવૃત્તિ
નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર IITs અને IISc બેંગ્લોરના વિદ્યાર્થીઓ માટે 10,000 PM સંશોધન ફેલોશિપ ઉન્નત નાણાકીય સહાય પ્રદાન કરશે. વૈશ્વિક કુશળતા સાથે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપવામાં આવશે.