February 2, 2025

ગાઝિયાબાદમાં ડરનો માહોલ… સિલિન્ડર ભરેલી ટ્રકમાં ફાટી નીકળી આગ, મચી અફરાતફરી

Delhi: ગાઝિયાબાદ જિલ્લાના થાણા ટીલા મોડ વિસ્તારમાં દિલ્હી-વઝીરાબાદ રોડ પર ભોપુરા ચોક ખાતે ગેસ સિલિન્ડરો ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. ચીફ ફાયર ઓફિસર રાહુલ કુમારના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ સતત સિલિન્ડર વિસ્ફોટોને કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ટ્રક સુધી પહોંચી શક્યા નહીં. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આગને કારણે નજીકની દુકાનો સંપૂર્ણપણે બળી ગઈ હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા.

સીએફઓ રાહુલ કુમારે જણાવ્યું હતું કે સિલિન્ડર વિસ્ફોટનો અવાજ આસપાસના કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો. ઘટના સ્થળથી 2-3 કિમી દૂર શૂટ કરાયેલા આ વીડિયોમાં વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે.

વિસ્ફોટથી લોકોમાં ભયનો માહોલ
જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. ગેસ સિલિન્ડરોમાં અવારનવાર થતા વિસ્ફોટોને કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો પોતાના ઘર છોડી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

ઘરમાં પણ આગ લાગી
એક સ્થાનિક વ્યક્તિનો દાવો છે કે આ ઘટના સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી અને ઘણા સિલિન્ડરો વિસ્ફોટ થયા હતા. આના કારણે નજીકના લાકડાના ગોદામને અસર થઈ અને એક ઘરમાં પણ આગ લાગી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે નજીકની એક હોટલને નુકસાન થયું છે, અને કાચ તૂટેલા છે. જનતામાં ભારે ગભરાટ ફેલાયો છે.

ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલે જણાવ્યું હતું કે સવારે લગભગ 4.35 વાગ્યે અમને LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક ફાયર એન્જિનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. પોલીસે આસપાસના ઘરો ખાલી કરાવ્યા. ઘરો અને કેટલાક વાહનોમાં લાગેલી આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે.