ટ્રમ્પે ફરી ભારત સહિત BRICS દેશોને આપી ધમકી, કહ્યું ‘જો તમે આવું કરશો તો હું 100% ટેરિફ લાદીશ’
Donald Trump Threat BRICS: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત BRICS દેશોને ધમકી આપી છે. ટ્રમ્પે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે બ્રિક્સ દેશો સમજી લે કે, તેઓ યુએસ ડોલરને રિપ્લેસ નહીં કરી શકે. જો આવું કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે જો બ્રિક્સ અમેરિકન ડોલરને પડકારવા માટે પોતાની નવી કરન્સી લોન્ચ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમને અમેરિકન બજારમાંથી બાકાત રાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પ્રેક્ષક બનીને રહેશે નહીં અને આ ધમકીનો જવાબ આપશે.
The idea that the BRICS Countries are trying to move away from the Dollar, while we stand by and watch, is OVER. We are going to require a commitment from these seemingly hostile Countries that they will neither create a new BRICS Currency, nor back any other Currency to replace…
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) January 31, 2025
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શું લખ્યું?
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે બ્રિક્સ દેશો યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ચૂપચાપ જોઈશું નહીં. જો BRICS નવી કરન્સી બનાવે છે અથવા અન્ય કોઈ કરન્સીને સમર્થન આપે છે, તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો આવું થશે, તો બ્રિક્સ દેશો માટે અમેરિકન બજારના દરવાજા બંધ થઈ જશે.
બ્રિક્સ ચલણોથી અમેરિકાને શું ખતરો છે?
જો બ્રિક્સ પોતાનું ચલણ લોન્ચ કરે તો તે યુએસ ડોલરના વર્ચસ્વને નબળું પાડી શકે છે. અમેરિકાની વૈશ્વિક શક્તિનું એક મુખ્ય કારણ ડોલરનું વર્ચસ્વ છે. જો દુનિયા ડોલરને બદલે બ્રિક્સ ચલણ અપનાવવાનું શરૂ કરે, તો અમેરિકન અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે.
શું ટ્રમ્પની ધમકીથી બ્રિક્સ ડરી જશે?
ચીન અને રશિયા પહેલાથી જ ડોલરથી દૂર જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. ભારત અને બ્રાઝિલ પણ તેમના વેપારમાં ડોલરને બદલે સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યા છે. જોકે, અમેરિકાના ટેરિફ લાદવાના નિર્ણયથી બ્રિક્સ દેશોને તેમના પોતાના ચલણો વધુ મજબૂત રીતે અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.