વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે 3 આરોપીની ધરપકડ, પ્રેમસંબંધમાં થઈ હતી હત્યા
અમદાવાદઃ વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી કલાભાઇ ગોહિલ, અજીતભાઈ ગોહિલ અને જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ કટારીયાની ધરપકડ કરી છે. આ મામલે વિરમગામ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં વેવાણ સાથે પ્રેમસબંધમાં વેવાઈની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. વિરમગામમાં જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને વેવાઈની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. વિરમગામ ટાઉન પોલીસે આ મામલે 3 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શું હતો મામલો?
અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં માંડલ નજીક એક શિક્ષકની હત્યાની ઘટના સામે આવી હતી. શિક્ષકને વેવાણ સાથે પ્રેમ થઇ જતા હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની વાત કરીએ તો વિરમગામમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 26 જાન્યુઆરીની રાત્રે માંડલ નજીક બેઠા હતા ત્યારે હથિયારો સાથે કારમાં આવેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નરેશ ચાવડાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક નરેશ ચાવડાની દીકરીની સાસુ હર્ષાબેન સાથે પ્રેમસંબંધમાં હતો. 8 મહિના પહેલા વેવાણ હર્ષાબેનને ઘરેથી ભગાડીને વિરમગામ ખાતે ભાડેથી રહેતા હતા. ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલાં નરેશ ચાવડાની દીકરીની સગાઈ હર્ષાબેનના દીકરા સાથે થયા હતા. જેથી બંન્ને પરિચયમાં આવ્યા હતા અને એકબીજા સાથે પ્રેમસંબંધ બધાંયો હતો. પ્રેમ માટે મૃતકે સમાજના બંધન તોડીને એકસાથે જીવવા મૈત્રી કરાર કર્યો હતો. તેઓ સુખીથી જિંદગી જીવી રહ્યા હતા. જેની માહિતી હર્ષાબેનના પતિ કલાભાઈ ગોહિલને મળી હતી. જેથી મિત્ર જેસંગ ભાઈ કટારીયા અને સંબંધી અજિત ગોહિલ સાથે મળીને વિરમગામના માંડલ પહોંચ્યા હતા અને નરેશ ચાવડા પર હુમલો કર્યો હતો. આરોપી કલાભાઈ ગોહિલ, જેસંગભાઈ અને અજિતભાઈ પાટણના શંખેશ્વરના રહેવાસી છે, જ્યારે મૃતક નરેશ ચાવડા સુરેન્દ્રનગરના રહેવાસી છે.