તુર્કી હોટલ આગકાંડમાં મૃત્યુઆંક વધ્યો, 66 લોકોના મોત અને 51 દાઝ્યા
Turkey Hotel Fire: ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં સ્કી રિસોર્ટ હોટલમાં સવારે 3:30 વાગ્યે લાગેલી આગમાં મૃત્યુઆંક વધ્યો છે. માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 66 લોકોના મોત થયા છે, જ્યારે 51 લોકો દાઝી ગયા છે. જ્યારે બે પીડિતો ગભરાઈને ઈમારતમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. ઘટના સમયે હોટલમાં કુલ 234 લોકો રોકાયા હતા.
બે લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા, મૃત્યુ
ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને સરકારી એજન્સીને જણાવ્યું કે બે પીડિત લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદવાથી મૃત્યુ પામ્યા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે હોટલમાં રોકાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તે સૂતો હતો અને તે બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો. આ પછી તેણે લગભગ 20 લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તેમણે કહ્યું કે હોટલ ધુમાડાથી ઘેરાયેલી હતી, જેના કારણે લોકો માટે આગમાંથી બહાર નીકળવાનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.
આગ લાગી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું નહીં
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હોટલમાં ફાયર સિસ્ટમ કામ કરી રહી ન હતી. મારી પત્નીને કંઈક સળગતી ગંધ આવી હતી, જેના પછી અમે ઊભા થઈને દોડ્યા, પરંતુ આ દરમિયાન હોટલમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું. ઈસ્તાંબુલથી લગભગ 300 કિલોમીટર (186 માઈલ) પૂર્વમાં કોરોગ્લુ પર્વતોમાં કાર્તાલકાયા એક ફેમસ સ્કી રિસોર્ટ છે. શાળાના સેમેસ્ટર બ્રેક દરમિયાન આ વિસ્તારની હોટલો ભરાઈ ગઈ હતી. અગમચેતીના ભાગરૂપે અન્ય હોટલો ખાલી કરાવવામાં આવી હતી.