January 22, 2025

સુરતમાં કેમિકલ કાઢવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

સુરતઃ જિલ્લામાં કેમિકલ માફિયાઓ સક્રિય છે. ભૂતકાળમાં અનેક વિસ્તારોમાં ટેન્કરોમાંથી મોંઘુ કેમિકલ કાઢવાનું કૌભાંડ ચાલતું હતું અને પકડાયું હતું. પરંતુ પોલીસની ભીંસ વધતા કેમિકલ ચોરી બંધ થઈ હતી, પરંતુ ફરી એકવાર પલસાણા પોલીસે કેમિકલ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી બે ડ્રાયવર સહિત અન્ય એકને ઝડપી પાડી ઘટના સ્થળેથી કરોડો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

આમ તો સામાન્ય રીતે નેશનલ હાઇવે 48 પર કેમિકલ ચોરી કરવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બહાર આવ્યા હતા. કેમિકલ માફિયાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કેમિકલ ભરી આવતા ટેન્કરચાલકો સાથે મળી ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ ચોરીનું કૌભાંડ આચરતા હોય છે. ત્યારે ફરી એકવાર સુરત જિલ્લામાંથી ટેન્કરમાંથી સિલિકોન નામનું કિંમતી કેમિકલ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પલસાણા પોલીસે એક કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરી બે ડ્રાયવર સહિત આસિફ શેખ નામના ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પલસાણા પોલીસે બાતમીના આધારે તરાજ ગામથી સામરોદ જતા રોડ પર આરોપી આસિફ શેખના ઘર નજીક બે ટેન્કરોમાંથી પાઇપ વડે બેરલોમાં ગેરકાયદે અને જોખમી રીતે કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. પોલીસે બે ટેન્કરચાલક અને આસિફ શેખને ઘટનાસ્થળેથી ઝડપી પાડયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 39,267 કિલો જ્વલનશીલ કેમિકલ, બે ટેન્કર, મોબાઈલ, પાઇપ, કેરબા, ગરણી મળીને કુલ 1.23 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પલસાણા પોલીસે ટેન્કરચાલક સંજય બિન્દ, મનીલાલ બિન્દ અને આસિફ શેખ નામના ઈસમની ધરપકડ કરી છે. પૂછપરછ કરતા આરોપી પાસેથી જે બિલ્ટી મળી આવી હતી. જેમાં સિલિકોન નામનું કેમિકલ હોવાનું બહાર આવ્યું હતું અને ટેન્કર મુંબઈથી સુરત આવી રહ્યા હતા. તેમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું એ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.