January 21, 2025

દાહોદ આંતરરાજ્ય ચેક પોસ્ટ ખાતેથી રૂપિયા 46.04 લાખના પોશ ડોડા ઝડપાયા

નીલુ ડોડીયાર, દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝનમાં આવેલ આંતરરાજ્ય ધાવડીયા ચેક પોસ્ટ ખાતે ઝાલોદ પોલીસ સ્ટાફ રાત્રી વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન રાજસ્થાન તરફથી એક ટ્રક શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેને રોકી અને વાહનમાં મુદામાલ પરિવહન માટે પરમીટ બાબતે પૂછપરછ કરતાં વાહન ચાલક દ્વારા પરમીટ બતાવવામાં આવ્યુ હતું. જે ચલણ ખોટું જણાઈ આવતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ટ્રકની તપાસ કરતા જીપ્સમની આડમાં હેરાફેરી કરાતો લાખો રૂપિયાના પોશ ડોડા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ હેરાફેરી કરનારા આરોપીઓ દ્વારા રાજસ્થાનથી ખાલી ગાડી લઈને મધ્યપ્રદેશના મંદસોર ગામના વચ્ચેથી પોશ ડોડા ભરી પરત ગુજરાતના રસ્તે થઈને રાજસ્થાન તરફ જતા હતા. કારણ કે ગુજરાતથી રાજસ્થાન તરફ જતા વાહન ચેકીંગ કરવામાં આવતા નહીં જેથી આરોપીઓ દ્વારા આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ હેરાફેરી દરમિયાન કોમ્યુનિકેશન માટે વોટસઅપ જેવી કોઈ નવી સોશ્યલ મિડિયા એપનો ઉપયોગ કરતા હતા.પોલીસ દ્વારા કુલ 46,04,670 રૂપિયાના પોશ ડોડા અને ટ્રક અને અન્ય સામાન મળી કુલ 49,29,570નો મુદામાલ ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.