January 21, 2025

સંજય રોયની સજા પર મમતાએ કહ્યું, ‘હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી, અમે ફાંસીની માગ કરી હતી’

RG Kar Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે રેપ-મર્ડર કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, અમે બધાએ ફાંસીની સજાની માગ કરી હતી, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા આપી છે.

‘તપાસની જવાબદારી કોલકાતા પોલીસ પાસેથી બળજબરીથી લેવાઈ’
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો હતો કે કોલકાતા પોલીસ પાસેથી તપાસની જવાબદારી બળજબરીથી છીનવી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોલકાતા પોલીસ તપાસની જવાબદારી સંભાળી રહી હોત તો તે ચોક્કસપણે મૃત્યુદંડ સુનિશ્ચિત કરી શકત. મુખ્યમંત્રીએ આ કેસમાં CBI તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા.

અમે ગુનેગારને ફાંસીની સજાની માગણી કરી હતી: મમતા
તેમણે કહ્યું, અમે બધાએ ગુનેગારને ફાંસીની સજા થાય તેવી માગી કરી હતી, પરંતુ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. અમારી પાસેથી બળજબરીથી મામલો છીનવી લેવામાં આવ્યો હતો. જો તે કોલકાતા પોલીસ પાસે હોત, તો અમે ખાતરી કરી હોત કે તેને ફાંસી મળે.

હું આ નિર્ણયથી સંતુષ્ટ નથી: મમતા બેનર્જી
મુખ્યમંત્રીએ કહ્યું, અમને ખબર નથી કે તપાસ કેવી રીતે થઈ. રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરાયેલા આવા કેસોમાં ફાંસીની સજા કરવામાં આવેલી છે. હું નિર્ણયથી સંતુષ્ટ નથી. રાજ્ય સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં સિયાલદહની કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે.

શનિવારે સિયાલદહના વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અનિર્બાન દાસની અદાલતે ગયા વર્ષે 9 ઓગસ્ટે હોસ્પિટલમાં અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટર પર હુમલાના જઘન્ય અપરાધમાં સંજય રોયને દોષી ઠેરવ્યો હતો. જજ દાસે કહ્યું કે આ અપરાધ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં નથી આવતો કે જેથી ગુનેગારને ફાંસી આપી શકાય.