January 16, 2025

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડી… 29 ટ્રેન પડી મોડી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Delhi: દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ધુમ્મસના કારણે હવાઈ અને રેલ ટ્રાફિક પણ પ્રભાવિત થઈ રહ્યો છે. ઘણી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે અને ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ધુમ્મસને કારણે દિલ્હી આવતી 29 ટ્રેનો મોડી ચાલી રહી છે. બુધવારે મોડી સાંજે અને ગુરુવારે સવારે પડેલા વરસાદથી દિલ્હી-એનસીઆરમાં ઠંડીમાં વધારો નોંધાયો છે.

પર્વતોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારો પર પડી રહી છે, જેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. હવામાન વિભાગે વરસાદ અને ધુમ્મસને લઈને યલો એલર્ટ આપ્યું છે છે. IMD એ થોડા દિવસો સુધી ધુમ્મસ અને વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગઈકાલે સવારથી દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ હતું પરંતુ બપોર સુધીમાં હળવો તડકો હતો અને સાંજ સુધીમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડીમાં વધારો થયો છે.

આ પણ વાંચો: અદાણીથી પંગો લેવો પડ્યો ભારે, શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચની દુકાનને વાગ્યા તાળા

દિલ્હી સરકારે બુધવારે સાંજે વધતા વાયુ પ્રદૂષણને કારણે ગ્રેપ 3 અને ગ્રેપ 4 લગાવ્યા હતા. પરંતુ વરસાદને કારણે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. AQI 200ની નજીક પહોંચી ગયો છે. ગઈકાલે તે 400 થી ઉપર હતું. નોંધનીય છે કે, બુધવારે દિલ્હીમાં 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઘણા લોકોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઓછી વિઝિબિલિટીને કારણે, કેટલાક વિમાનોને થોડા સમય માટે ઉડાન ભરવાથી પણ રોકી દેવામાં આવ્યા હતા. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IGI એરપોર્ટ) દરરોજ 1300 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.