January 16, 2025

બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે ડિમોલિશન યથાવત્, પારા વિસ્તારમાં રેસિડેન્સી વિસ્તારમાં કામગીરી

દેવભૂમિ દ્વારકાઃ બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. બેટ દ્વારકાના પારા વિસ્તારમાં રેસિડેન્સી વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ચાર દિવસ બાદ દ્વારકાધીશ મંદિર ખૂલ્યું
બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને કારણે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે બપોર બાદ મંદિર ફરીથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત ચાર દિવસથી બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુદર્શન સેતુથી લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સતત ચાર દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા બેટ દ્વારકા મુખ્ય મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે બપોર બાદ મંદિર ખૂલતાં જ ભક્તોની ભારે ભીડ જામી હતી.

છેલ્લા ચાર દિવસથી ડિમોલિશનની કામગીરી
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં પણ કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. જેમાં 260 જેટલા રહેણાક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 60,800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ત્યાં 35 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

ઓખા મંડળ વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલિશનની કામગીરીમાં 1 હજાર સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડેપગે તહેનાત છે. મેગા ડિમોલિશનની કામગીરી હજુ આગામી અનેક દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે.