January 16, 2025

પાલનપુર-વડગામમાં 300 ગામડાંઓ પાણીથી વંચિત, અનેકવાર રજૂઆત છતાં સરકાર ઘોર નિંદ્રામાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વડગામ અને પાલનપુરના 300 ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે, અઢી વર્ષ અગાઉ 25000 ખેડૂતોએ વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને અન્ય તળાવમાં પાણી નાખવા માટે આંદોલન કરવું પડ્યું હતું. જો કે, જે તે સમયે સરકારે તો કહ્યું હતું કે, નર્મદાનું પાણી કરમાવદમાં નાખીશું. પરંતુ હજી તેના કામના કોઈ ઠેકાણા નથી. આ 300 ગામોની પરિસ્થિતિ એ છે કે, 1200 ફૂટથી વધુ પાણીના ઊંડા તળ ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે લોકોએ બોર કરાવ્યા છે, છતાં ફેલ થાય છે. ઘાસચારો વેચાતો લાવવો પડે છે અને પાણી ન હોવાને કારણે ખેતી થઈ શકતી નથી. ખેડૂતોની માગણી તો છે કે, નર્મદાનું પાણી કરમાવદ અને ગામડાંઓના અન્ય તળાવમાં નંખાય તો આ પાણીથી ખેડૂતો ખેતી કરી શકે, નહીંતર આ ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

વડગામ અને પાલનપુર તાલુકાના 300 ગામડાની એ પરિસ્થિતિ છે કે, અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી. પાણીના તળ 1200 ફૂટથી વધુ ઊંડે ગયા છે. 250 ફૂટે પથ્થર લાગે છે એટલે ખેડૂતોએ કરેલા 20-25 બોર ફેલ ગયા છે. ત્યારે પાણી પણ વેચાતું લાવવું પડે છે અને ઘાસચારો પણ વેચાતો લાવવો પડે છે. જો કે, વડગામ અને પાલનપુર તાલુકામાં નથી તો કોઈ કેનાલની વ્યવસ્થા અથવા તો નથી તો કોઈ પાણીના જે સ્ત્રોત હોય તે આવી શકે ત્યારે સિંચાઈનું પાણી ન મળવાને કારણે અત્યારે તો ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે. તેમની એક જ માગણી છે કે નર્મદાના પાણીથી કરમાવદ અને ગામડાઓનાં તળાવ ભરાય તો પાણીના તળ ઊંચા આવી શકે.

વડગામ અને પાલનપુરનો પંથક એટલે ધાનધાર પંથક કહેવાય છે. પરંતુ આ ધાનધાર પંથકમાં પાણીની જ અછત છે અને જેને કારણે ખેડૂતો અને પશુપાલકો ખેતી છોડી રહ્યા છે અને પશુપાલન છોડી રહ્યા છે. પાણીના તળ ઊંડા ગયા તેની સાથે સાથે પાણીનો કોઈ વિકલ્પ નથી એટલે હવે પાણી વગર ખેડૂતો ખેતી કરી શકે તે પરિસ્થિતિ નથી. જો નર્મદાના પાણી કર્માવત તળાવ અને અન્ય તળાવમાં નંખાય તો જ ખેડૂતોને ખેતી અને પશુપાલન માટે એક વિકલ્પ મળી રહે. અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ રેલી કરી હતી, આંદોલન કર્યા હતા અને છેલ્લા અઢી વર્ષથી આ માગણી ચાલુ છે કે કર્માવત તળાવ નીચે સરકારી મંજૂરી આપી છે, તેનું કામ જલ્દીથી શરૂ થાય. જો આ કામ શરૂ થાય તો તેમાં પાણી નંખાઈ શકે અને ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકે.

બનાસકાંઠામાં જીવાદોરી સમાન ત્રણ ડેમ છે, દાંતીવાડા, સીપુ અને મોકતેશ્વર ડેમ, પરંતુ આ ત્રણ ડેમમાંથી એકપણ ડેમનું પાણી પાલનપુર અથવા વડગામને કામ લાગી શકે તેમ નથી. તેનું કારણ એ છે કે, દાંતીવાડા ડેમનું પાણી પાટણ તરફ જાય છે, સીપુ ડેમનું પાણી ડીસા અને ધાનેરાને અપાય છે, ત્યારે મુક્તેશ્વર ડેમનું પાણી સિદ્ધપુર અને ખેરાલુને અપાય છે. તેને કારણે પાલનપુર અને વડગામ તાલુકા માટે તો કોઈ વ્યવસ્થા જ નથી. આ સાથે ડેમોમાં પાણીના લેવલ પણ ઘટ્યા છે એટલે આગામી ઉનાળાની સિઝનમાં તો સિંચાઈનું પાણી શક્ય જ નથી. ત્યારે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હવે ખેડૂતોનો આધાર નર્મદાના પાણી પર છે.