January 15, 2025

18 લાખ લોકોને લોસ એન્જલસ છોડવાનો આદેશ, પેરિસ કરતાં મોટો વિસ્તાર આગની ચપેટમાં

California Wildfires: અમેરિકાના સાઉથ કેલિફોર્નિયા વિસ્તારમાં જંગલમાં લાગેલી ભીષણ આગ વધુ ભયાનક બની રહી છે. અગ્નિશામકો લોસ એન્જલસની જીવલેણ આગ સામે લગભગ અઠવાડિયાની લડાઈના નિર્ણાયક તબક્કામાં છે. ટીમે કહ્યું છે કે, આગ ઓલવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, પરંતુ આ અઠવાડિયે ખતરનાક પવન ફરી વળશે. કારણ કે આગનો ખતરો ઘણો વધારે રહેશે. કેલિફોર્નિયા અને અન્ય નવ રાજ્યોની ટીમો હાલમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં અંદાજે 1,400 ફાયર એન્જિન, 84 એરક્રાફ્ટ અને 14,000થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં મેક્સિકોના નવા અગ્નિશામકોનો સમાવેશ થાય છે.

ફાયર અધિકારીઓ કેલિફોર્નિયામાં ઓછામાં ઓછી ત્રણ જંગલી આગનો સામનો કરી રહ્યા છે. તેમાં ઇટોન, હર્સ્ટ અને પાલિસેડ્સ આગનો સમાવેશ થાય છે. એકસાથે આ આગે લગભગ 38,549 એકર વિસ્તારને ઘેરી લીધો છે. કેલિફોર્નિયાના ઈતિહાસમાં ઈટન અને પેલિસેડ્સની આગને બીજી અને ચોથી સૌથી વિનાશક આગ ગણવામાં આવે છે. પેલિસેડ્સ, ઇટોન અને હર્સ્ટની આગથી બળી ગયેલો કુલ વિસ્તાર આશરે 60 ચોરસ માઇલ છે, જે પેરિસ કરતાં પણ મોટો વિસ્તાર છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસ કાઉન્ટીના 175,000થી વધુ રહેવાસીઓને શહેર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે અને લગભગ 87,000 રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે. કેલ ફાયર બટાલિયન ચીફે કહ્યું છે કે, જે લોકોના ઘર ખાલી કરાવવાના વિસ્તારોમાં છે તેમણે ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, પાવર લાઇનો ડાઉન થઈ શકે છે, ગેસ લાઈનમાં સમસ્યાઓ અને ઝેરી રાખ હોઈ શકે છે.

આગના કાટમાળને હટાવવામાં છ મહિનાથી વધુ સમય લાગશે
ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ (ફેમા) વચન આપ્યું છે કે, તે 180 દિવસમાં સાઉથ કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગનો કાટમાળ હટાવી લેશે, પરંતુ તેણે એ પણ સ્વીકાર્યું છે કે, આ કામ આ સમયમર્યાદાથી વધુ ચાલુ રહે તેવી શક્યતા છે. ફેમાના અધિકારી ડીન ક્રિસવેલે 13 જાન્યુઆરીની સવારે સીએનએનની સારાહ સિડનરને જણાવ્યું હતું કે, કાટમાળ હટાવવામાં છ મહિનાથી વધુ સમય લાગશે. ગયા અઠવાડિયે કાટમાળ હટાવવા માટે 180 દિવસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જીવનરક્ષક પ્રવૃત્તિઓનો સંપૂર્ણ ખર્ચ પણ સામેલ છે.