January 8, 2025

PM Modi આવતી કાલે દિલ્હીમાં રૂ.12,200 કરોડથી વધુના અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

PM Modi Inaugurate: PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ દિલ્હીમાં લગભગ 12:15 કલાકે રૂ.12,200 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન સવારે 11 વાગ્યે સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરશે. નમો ભારત ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ અને વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન બપોરે 1 વાગે દિલ્હીના રોહિણીમાં જનસભાને સંબોધશે.

PM સાહિબાબાદ અને ન્યુ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા વિભાગનું ઉદ્ઘાટન કરશે. જેની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે. દિલ્હીને પ્રથમ વખત નમો ભારત કનેક્ટિવિટી મળશે. જેના કારણે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી ઘણી સરળ બનશે અને લાખો લોકોને સલામતી અને વિશ્વસનીયતા સાથે ઝડપી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

PM લગભગ રૂ. 1,200 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટર લાંબા રસ્તાનું પણ ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રો ફેઝ-4નો આ પહેલો વિભાગ હશે જેનું ઉદ્ઘાટન થશે. પશ્ચિમ દિલ્હીના કૃષ્ણા પાર્ક, વિકાસપુરી, જનકપુરી વગેરે વિસ્તારોને આનો લાભ મળશે.

સાથે વડાપ્રધાન દિલ્હી મેટ્રો ફેઝ-4ના 26.5 કિમી લાંબા રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે, જેનો ખર્ચ અંદાજે રૂ. 6,230 કરોડ થશે. આ કોરિડોર દિલ્હીના રિથાલાને હરિયાણાના નાથુપુર (કુંડલી) સાથે જોડશે, જે દિલ્હી અને હરિયાણાના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધશે. આનાથી લાભ મેળવવાના મુખ્ય ક્ષેત્રોમાં રોહિણી, બવાના, નરેલા અને કુંડલીનો સમાવેશ થાય છે, જેના કારણે રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોમાં સુલભતામાં સુધારો કરશે. એકવાર કાર્યરત થયા પછી, તે વિસ્તૃત રેડ લાઇન દ્વારા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મુસાફરીની સુવિધા આપશે.

PM મોદી નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI)ની નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. જે અંદાજે 185 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ પરિસર અત્યાધુનિક હેલ્થકેર અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. નવા બિલ્ડિંગમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, ઓપીડી બ્લોક, આઈપીડી બ્લોક અને ડેડિકેટેડ ટ્રીટમેન્ટ બ્લોક હશે, જે દર્દીઓ અને સંશોધકો બંને માટે સંકલિત અને સીમલેસ હેલ્થકેર અનુભવ સુનિશ્ચિત કરશે.