January 8, 2025

મહાનગરના ભાજપ પ્રમુખ માટે સુરતમાં 67 જેટલા દાવેદારોએ પોતાના દાવેદારી ફોર્મ ભર્યા

Surat News:  સુરત મહાનગરના ભાજપ પ્રમુખ માટેની પ્રક્રિયા સવારથી ઉધના ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. ચાર નિરીક્ષકોની ટીમ દ્વારા ભાજપ પ્રમુખ માટેના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જે સેન્સ પ્રક્રિયા બપોર સુધી ચાલી હતી. જ્યાં શહેર ભાજપ પ્રમુખના પદ માટે કુલ 67 જેટલા દાવેદારોએ પોતાના દાવેદારી ફોર્મ ભર્યા હતા. જે તમામ ફોર્મ નું બપોર બાદ સ્ક્રુટીની કરવામાં આવશે અને ત્યારબાદ સંકલન બેઠક કરી સંપૂર્ણ અહેવાલ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે. જ્યાં પ્રદેશ કક્ષાએથી શહેર ભાજપના પ્રમુખ પદ માટેના મુરતિયાની પસંદગી કરવામાં આવશે.

દાવેદારોને સાંભળવામાં આવ્યા
સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ સવારથી ભાજપ પ્રમુખ પદ માટેના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બપોર સુધી સેન્સ પ્રક્રિયા ચાલી હતી. અમદાવાદ કર્ણાવતી ના પૂર્વ અધ્યક્ષ રાકેશ શાહ, પંચમહાલના મહામંત્રી કુલદીપ સિંહ સોલંકી તેમાં સુરત મહાનગરના બે નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. બપોર સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 67 જેટલા દાવેદારોએ ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી હતી. જેમાં મહિલા દાવેદારોનો પણ સમાવેશ થાય છે.

રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ
શહેર ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં સીઆર પાટીલના નજીકના ગણાતા પરેશ પટેલ દ્વારા પણ દાવેદારી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેર ભાજપના પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલ, વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, તેમજ શહેર ભાજપના અલગ અલગ હોદ્દા પર રહેલા હોદ્દેદારોએ પણ ભાજપ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. ભાજપ પ્રદેશના ક્રાઈટેરિયા મુજબ,બે કે તેથી વધુ જવાબદારી નિભાવી હોય અને વધુ અનુભવી હોય તેવા કાર્યકરોને સ્થાન આપવામાં આવતું હોય છે. જેને જોતા વર્તમાન પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પ્રમુખ પદ માટે ફરી રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: સચિન તેંડુલકર બન્યો પંતનો ફેન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી આ વાત

67 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી
ભાજપ પ્રમુખનું પદ મેળવવા પૂર્વ મેયર હેમાલી બોઘાવાળા,પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ,હાલના પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાળા સહિતના નામો મુખ્ય ચર્ચામાં છે. જો કે આજરોજ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કુલ 67 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપના વર્ષો જૂના અને સક્રિય કાર્યકર્તાઓ શામેલ છે. આજે બપોર બાદ તમામ દાવેદારી ફોર્મનું સ્ક્રુટીની કરવામાં આવશે. જે બાદ મળનારી સંકલન બેઠકમાં અહેવાલ રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. જ્યાં આગામી બે થી ત્રણ દિવસમાં શહેર ભાજપ પ્રમુખ પદના નામ અંગેની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યાં શહેર ભાજપ પ્રમુખ તરીકેનું સુકાન કોને સોંપવામાં આવશે તે હવે જોવું રહ્યું.