January 7, 2025

AMCની પરીક્ષામાં છબરડાં કરનારા હેડ ક્લાર્કની ધરપકડ, પોલીસે ડેટા કબ્જે કર્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ AMCની પરીક્ષામાં છબરડા કરનારા હેડ કલાર્ક પુલકિત સથવારાની ધરપકડ બાદ તેને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. AMC મુખ્ય કચેરીમાં પોલીસે પુલકિતને સાથે રાખીને જરૂરી ડોક્યુમેન્ટ અને કોમ્પ્યુટર ડેટા કબજે કર્યા હતા. AMCની સેન્ટ્રલ ઓફિસમાં કોમ્પ્યુટરમાં પરિણામમાં છેડછાડ કરી હતી. જેના આધારે 3 વ્યક્તિઓને AMCમાં ટેકનિકલ સુપરવાઈઝરની નોકરી મળી હતી. આ મામલે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

એએમસી દ્વારા ત્રીજા માસમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેરની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 93 ઉમેદવારો પસંદગી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ગત તારીખ 18-8-2024ના રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી. 5000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. 5000થી વધુ વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. 359 કર્મચારીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. અંતે 93 ઉમેદવારોનું મેરીટ લિસ્ટ જાહેર કરાયું હતું.

મેરીટ લીસ્ટ જાહેર થતાં એક ઉમેદવારને ભરતી પ્રક્રિયામાં શંકા ગઈ હતી. આ ઉમેદવારે એએમસીમાં ફરિયાદ કરી હતી. ઉમેદવારની ફરિયાદને આધારે એએમસી દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરાઈ હતી. એએમસીએ સમગ્ર પ્રકરણમાં ખાતાકીય તપાસ શરૂ કરી હતી.

ખાતાકીય તપાસમાં જાણવા મળ્યું કે, ત્રણ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ચેડા કર્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓને માર્ક્સ વધારી મેરીટમાં દાખલ કરવામાં આવ્યા હતા. એએમસી દ્વારા સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે AMC હેડ ક્લાર્ક પુલકિત સથવારાની ધરપકડ કરી છે વધુ તપાસ શરૂ કરી છે.