January 5, 2025

અફઘાની વિસ્તારમાં પાકિસ્તાનનો હુમલો, તાલિબાને ડૂરંડ લાઇન પાર તબાહી મચાવી

Pakistan-Afghanistan War: તાજેતરમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે લોહિયાળ ખેલ ચાલી રહ્યો છે. બંને તરફથી સેનાઓ એકબીજાની સરહદમાં ઘૂસીને લોકોને મારી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પ્રવર્તી રહેલી સ્થિતિને જોતા નવા યુદ્ધની શક્યતા નકારી શકાય તેમ નથી. આ દરમિયાન સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના 8 લોકોને માર્યા હતા, જ્યારે 13 નાગરિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

પાકિસ્તાન અફઘાનિસ્તાન પર સતત હુમલા કરી રહ્યું છે. શનિવારે પણ પાકિસ્તાને પક્તિયામાં એક મસ્જિદ પર મોર્ટાર છોડ્યો હતો, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા અફઘાન નાગરિકોએ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગ કરી છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા નાગરિકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, તાલિબાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, ડૂરંડ લાઇન પર બંને તરફથી હિંસક અથડામણ થઈ રહી છે. તાલિબાને પાકિસ્તાની સેનાની બે પોસ્ટ કબજે કરી લીધી છે. ભારે હથિયારોનો ઉપયોગ કરીને તાલિબાન સૈનિકોએ ડૂરંડ લાઇન પર હાજર પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા અને બાકીના ભાગી ગયા હતા.

તાલિબાન લડવૈયાઓ ગોજગઢી, માતા સંગર, કોટ રાઘા અને તારી મેંગલ વિસ્તારોમાં પ્રવેશ્યા છે અને ભારે ગોળીબાર કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ કહ્યું કે, તેણે ખુર્રમ અને ઉત્તર વજીરિસ્તાનમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. અફઘાન તાલિબાન લડવૈયાઓ ડૂરંડ લાઇન પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસ્યા છે અને પાકિસ્તાની સેનાની ચોકીઓને નિશાન બનાવી રહ્યા છે. ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

હકીકતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની 2640 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદનું નામ ડૂરંડ લાઇન છે. આ રેખા પશ્તૂન આદિવાસી વિસ્તારમાંથી અને દક્ષિણમાં બલૂચિસ્તાનમાંથી પસાર થાય છે. આ રીતે તે પશ્તૂન અને બલોચને બે દેશોમાં વિભાજિત કરીને ઉભરી આવે છે. તેને વિશ્વની સૌથી ખતરનાક સરહદ પણ માનવામાં આવે છે.