January 4, 2025

વેજલપુર હત્યાના આરોપીની ધરપકડ, છૂટાછેડા માટે પૈસા માગતા હોવાનું કહી છરીના ઘા ઝીંક્યા

મિહિર સોની, અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભાણીના છુટાછેડા માટે રૂપિયા 10 લાખની માગણી કરીને હેરાન પરેશાન કરતા હોવાથી કંટાળીને યુવકે વૃદ્ધને છરીના ઘા ઝીંકી દીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં મૃતક વૃદ્ધ તેના સગાની દીકરીઓ સાથે આરોપી અને તેના ભાઇના લગ્ન કરાવ્યા હતાં.

વેજલપુર વિસ્તારમાં એક જ અઠવાડિયામાં હત્યાના બે બનાવો સામે આવ્યાં છે. શનિવાર સાંજે વેજલપુરમાં આવેલા ગુલઝારપાર્ક સોસાયટી પાસે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ઇમરાન કુરેશી નામના યુવકે સાન મોહમ્મદ કુરેશી નામના વૃદ્ધને ગળા, છાતી અને પેટની નીચેના ભાગે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં વેજલપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. આરોપી ઇમરાને મૃતક સાથે પહેલા બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને છરીના ઘા મારી દીધા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શાન મોહમ્મદે બે વર્ષ પહેલા ઇમરાન કુરેશી અને તેના ભાઈ ફુરકાન કુરેશીના લગ્ન સેવાલિયા ગામ ખાતે રહેતા તેમના સંબંધીની દીકરીઓ સાથે કરાવ્યા હતાં. લગ્નના આશરે બે મહિના બાદ બંને ભાઇઓને પત્ની સાથે મનમેળ ના આવતા બંને બહેનો પિયરમાં રહેવા માટે જતી રહી હતી. આ અંગે સમાધાનની પણ વાતચીત ચાલતી હતી. એકાદ વર્ષ પહેલા પણ ઇમરાને મૃતક સાથે આ બાબતને લઇને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને મૃતકને લાફો પણ મારી દીધો હતો. પરંતુ જે તે સમયે કોઈ પોલીસ ફરીયાદ નોંધાવી ના હતી. બાદમાં શનિવારએ તેણે મૃતક સાથે બોલાચાલી ઝઘડો કરીને હત્યાના બનાવને અંજામ આપ્યો છે. જો કે, બીજી તરફ મૃતક આરોપીની પત્નીના મામા થતા હોવાથી તે છુટાછેડા માટે રૂપિયા 10 લાખની માગણી કરતા હતા અને તેમના ત્રાસના કારણે તેણે આ હત્યા કરી હોવાનું આરોપીનું કહેવું છે.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કટર મશીનના રીપેરીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.