December 31, 2024

માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ બાબતે વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસે કરી કાર્યવાહી

નીતીન, માંડવી: શુક્રવારે માંડવી બીચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ પોતાની સ્કૂટી ઉપર દારૂની બોટલ રાખી બૂમો પાડતો હતો કે આવી જાવ, માંડવી બીચ પર આવીને દારૂ ન પીધો તો શું કર્યું, આવી જાવ, દારૂ લ્યો દારૂ લ્યો” તેવી બૂમો પાડી રહ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આંખે પાટો બાંધીને બેસેલી માંડવી પોલીસ તો ન જાગી પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસ વડાની સૂચનાથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. આરોપીએ કબુલાત આપી કે આ વીડિયો બે મહિના પહેલા માંડવી બીચ ઉપર બનાવ્યો હતો.

આ પણ વાંચો: ગીર સોમનાથના ખેડૂતો બન્યા આત્મનિર્ભર, કરી રહ્યા છે સીંગતેલમાંથી કમાણી

રક્ષકોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના માંડવી બીચ પર જોવા મળી હતી. જેમાં માંડવી બીચ પર પ્રવાસીઓની ભીડને આકર્ષવા માટે શખ્સએ મોપેડ પર ખુલ્લેઆમ દારૂનો વેપાર કરીને શાકભાજી કે ઠંડાપીણાનું વેચાણ કરતા ફેરિયાઓની જેમ બૂમો પાડીને કાયદાના રક્ષકોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. જોકે થોડા દિવસ પહેલાં વાયરલ થયેલો વીડિયો માંડવી પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્ય વચ્ચે માંડવી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી, પરંતુ LCBએ શખ્સને પકડી પાડ્યો હતો.