December 28, 2024

પ્રિવિલોન બિલ્ડરકોઇનની 200 કરોડની છેતરપિંડી, નવો ચોંકાવનારો ખુલાસો

મિહિર સોની, અમદાવાદઃ શહેરના સૌથી ઝડપી વિકસી રહેલા શેલા વિસ્તારમાં ફ્લેટની સ્કિમ મૂકી લોકો સાથે ઠગાઈ કરનારા બિલ્ડરની પોલીસે ધરપકડ કરી છે. 35 કરોડથી વધુની છેતરપિંડીની તપાસ મામલે પોલીસે SITની પણ રચના કરી છે. જો કે, પોલીસ તપાસમાં એકબાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં તપાસ જમીન માલિક બિલ્ડર સુધી પહોંચી છે. જેની પૂછપરછ તથા સંડોવણી અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પ્રિવિલોન બિલ્ડર સાથે કેટલા બિલ્ડરો સંડોવાયેલા છે.

બોપલના શેલા ખાતે પ્રિવિલોન બિલ્ડકોઇનના નામે બે અલગ અલગ સ્કિમ મૂકી અંદાજિત 200 લોકો સાથે 35 કરોડથી વધુની ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે બોપલ પોલીસમાં નોંધાયેલી બે અલગ અલગ ફરિયાદમાં બિલ્ડર જયદિપ કોટકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી જયદીપના 14 દિવસના રિમાન્ડ મેળવી 35 કરોડના કૌભાંડની તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં બે ડીવાયએસપી અને બે પીઆઈ સહિતની એક એસઆઈટી બનાવવામાં આવી છે. પરંતુ તપાસમાં એ વાત સામે આવી કે ન તો જમીન આરોપીના નામે હતી કે ન તો તેના માટે રેરાની મંજૂરી લેવામાં આવી હતી. એટલે કે કાવતરું રચીને પ્રિ-પ્લાન છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે. જેથી પોલીસે વધુ તપાસ શરુ કરી હતી. વર્ષ 2023માં આરોપી હિરેન અને જયદીપે પ્રિવિલોન બિલ્ડકોઇન નામે કંપની રજિસ્ટર કરીને ફલેટની સ્ક્રીમ મૂકી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જયદીપ અને હિરેને બે અલગ અલગ જગ્યા પર બે અલગ અલગ સ્કિમ મૂકી હતી. જેમાં એક રિચમન્ટ બાય 22 સ્ટોરી અને સેલેસ્ટિયલ બાય 14 સ્ટોરીના નામે બે સ્કિમ મૂકી વેચાણ શરુ કર્યું હતું. મહત્વનું છે કે, આ બંને જગ્યાના માલિક પણ અલગ અલગ હતા. એક જમીન અશોક પટેલના નામે હતી. તો બીજી જમીન ધરણીધર ડેવલપર્સના નામે હોવાનું સામે આવ્યું છે. આ બંને જમીન પર છેલ્લા એક વર્ષથી ફ્લેટના નામે લોકો પાસેથી બુકિંગ લેવાતું હતું. એટલું જ નહીં, જગ્યા પર પ્રિ-બુકિંગ સેરેમની કરવામાં આવી હતી અને તેના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા હતા. જેથી જમીન માલિકની સંડોવણી અંગે પણ તપાસ શરુ કરી છે.

પ્રિવિલોન બિલ્ડકોઇનમાં થયેલા ઉઠામણા બાદ કુલ 183 કરતાં વધુ ભોગ બનનારની અરજીઓ પોલીસ પાસે આવી છે. જેમાં કુલ 35 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રોકાણ કરનારા લોકો મોટાભાગના મધ્યમ ગરીબ વર્ગના છે. જેમણે સ્વપનનાં મકાન માટે જીવનભરની મુડી લગાવી દીધી છે. તેમની સાથે થયેલી છેતરપિંડી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગે પણ આદેશ કર્યા છે. આ કેસના આરોપી હિરેન કારિયાએ વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે 7 મહિના પહેલા છુટો થયો છે અને લોકોના રુપિયા પરત આપવાની વાત કરી રહ્યો છે.

લોકો પાસેથી 35 કરોડથી વધુના રુપિયા પડાવી ઉઠામણું કરનારા બિલ્ડરે છેતરપિંડીના રુપિયા કયાં અને રોક્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેની સંપત્તિ પણ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે. મહત્વનું છે કે, હિરેન વિરુદ્ધ અગાઉ પણ જુનાગઢમાં ખંડણીની ફરિયાદ હોવાથી પોલીસે તેની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી છે.