December 25, 2024

બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, માઇનોરિટી સેલના ચેરમેન સહિત 52 લોકોનાં રાજીનામા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. માઇનોરિટી સેલના જિલ્લા ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના જિલ્લા બે પૂર્વ પ્રમુખ સામે આક્ષેપ સાથે બોડીએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના માઇનોરિટી સેલના ચેરમેન સહિત 52 લોકોએ રાજીનામું આપતા કોંગ્રેસ માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

કોંગ્રેસમાં પણ વિવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસની વોટ બેંક ગણાતા મુસ્લિમ સમાજના માયનોરિટી સેલના ચેરમેન સહિત 52 લોકોના રાજીનામાંને લઈ બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ઝાકીર ચૌહાણ તેમજ દિનેશ ગઢવી પર માઈનોરિટી સેલના ચેરમેને આક્ષેપ લગાવ્યા હતા. વિધાનસભા લોકસભા અને પાલિકાની ચૂંટણીઓમાં ભાજપની તરફેણ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. જ્યારે માઇનોરિટી સેલના હોદ્દા અથવા મુસ્લિમ સમાજનું મહત્વ ન હોય તે રીતે કોંગ્રેસે અવગણના કરી છે.

માઇનોરિટી સેલની બોડીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત મલ્લિકાર્જુન ખડકે અને રાહુલ ગાંધી સુધી પણ રજૂઆતો કરી છે. આ રજૂઆતોનું પરિણામ ન મળતા આજે પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને માઈનોરિટી સેલની બોડીએ રાજીનામું ધરી દીધું છે. પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસનાં કોર્પોરેટરોનો ગજગ્રાહ કોંગ્રેસના ભંગાણ સુધી પહોંચ્યો છે, જે પ્રકારે પાલિકાના કોર્પોરેટર અબ્રાર શેખ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ઝાકીર ચૌહાણ વર્તમાન પ્રમુખ ભરતસિંહ વાઘેલા સામે પણ આક્ષેપો છે, ત્યારે માઈનોરીટી સેલના ઉપપ્રમુખ મરીયમ મિર્ઝાએ પણ નગરપાલિકાના કોર્પોરેટર અબરાર શેખે તેમને ધાક ધમકી આપવાના આક્ષેપ કર્યા છે. આ આક્ષેપો સાથે રાજીનામું આપ્યું છે.

જિલ્લામાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસમાં તૈયારી પહેલાં રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લામાં કોંગ્રેસ પક્ષના આગેવાનોથી કોંગ્રેસ માઈનોરિટી સેલ નારાજ થયો છે અને આ નારાજગી રાજીનામા સુધી પહોંચી છે. ત્યારે અત્યારે તો કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.