January 24, 2025

લુણાવાડામાં વીજળી ન મળતા ખેડૂતો બેહાલ, વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં!

મૃગરાજસિંહ પુવાર, મહિસાગરઃ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા તાલુકાના તણસીયા ગામે ખેતી માટે પૂરતી વીજળી ન મળતા હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને વીજ પુરવઠો યોગ્ય ન મળતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિક ગ્રામજનો ખેતી પાકને લઈ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હાલ કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલ દ્વારા માત્ર કામચલાઉ કામગીરી કરી ખેડૂતોને સાંત્વના આપવામાં આવી રહી છે.

શિયાળામાં રવિ સિઝનને લઈ ખેડૂતો જોતરાયા છે. ત્યારે પાકને યોગ્ય સમયે પાણી ન મળતા હાલ ઉભો પાક સૂકાવવા માંડ્યો છે. ડીપીમાં અવારનવાર ફોલ્ડ સર્જાતા દિવસ દરમિયાન મળી રહેલી 8 કલાકની વીજળી ખેડૂતને માત્ર બે જ કલાક મળી રહી છે. ત્યારે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. વીજ પુરવઠો સમયસર અને યોગ્ય આવે તે માટે ખેડૂતો લેખિત તેમજ ઓનલાઈન અરજી કરી છે. તેમ છતાં પણ નક્કર કામગીરી ન થતા ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક વખત ડીપી બદલવા માટે અરજી કરવા છતાં પણ કોઈ ધ્યાને ન લેતા ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે.

બીજી તરફ જંગલ વિસ્તારમાં ડીપી હોવાને લઈ સાફ-સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક વખત ડીપી પાર્ક થવાના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે. ડીપીને યોગ્ય સમારકામ કરી ફ્યુઝ સહિતની કામગીરી કરવા હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે. ત્યારે 300થી 200 એકર ખેતરમાં ખેડૂતોએ મહામૂલી કરેલા પાકને સમયસર પાણી ન મળતા હાલ ખેડૂતો સમગ્ર દોષનો ટોપલો એમજીવીસીએલના અધિકારીઓ પર ઢોળી રહ્યા છે.

ન્યૂઝ કેપિટલ મારફતે MGVCL તણસીયા ગામે વીજ પુરવઠો પૂરતો ન મળવાનું ખબર પડતા તાત્કાલિક નાયક ઇજનેર ગામની મુલાકાત લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.