December 21, 2024

ક્રિસમસ પહેલાં જર્મનીમાં શંકાસ્પદ હુમલો; બે લોકોનાં મોત, 68 ઘાયલ

જર્મનીઃ એક બેકાબૂ કારની ટક્કરથી બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 68 લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. મળતી માહિતી પ્રમાણે, કાર ક્રિસમસ પહેલા શણગારેલા માર્કેટના ભીડવાળા વિસ્તારમાં પ્રવેશી હતી. જર્મનીના મેગડેબર્ગ શહેરમાં બનેલી આ દુર્ઘટના વિશે ન્યૂઝ એજન્સી રોયટર પરના સમાચાર અનુસાર, MDR અને અન્ય મીડિયા રિપોર્ટ્સમાં આ અકસ્માતને હુમલો માનવામાં આવે તેવી શક્યતાને નકારી કાઢી નથી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એવી શક્યતા છે કે કોઈ કારે ઈરાદાપૂર્વક માર્કેટમાં લોકોની ભીડને ટક્કર મારી હતી, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 68 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15ની હાલત ગંભીર છે. 37 લોકોને થોડી ઈજા થઈ હતી અને 16 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ કેસમાં જર્મન પોલીસે સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડોક્ટર તાલેબની ધરપકડ કરી છે, જે કાર ચલાવી રહ્યો હતો.

આ કિસ્સામાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 100 અગ્નિશામકો અને 50 બચાવ કર્મચારીઓની એક ટીમ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. તેમણે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલવાનું કામ કર્યું હતું. આ સાથે જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ઇમરજન્સી સેવાઓ ઘાયલોને મદદ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને તેમની સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.