January 22, 2025

જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મોતનો આંકડો 14એ પહોંચ્યો, 13એ SMS તો એકે જયપુરિયામાં લીધા છેલ્લા શ્વાસ

જયપુરઃ જયપુરમાં શનિવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ અકસ્માતમાં વધુ બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. શુક્રવારે જયપુરના અજમેર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ જીવતા દાઝી ગયા હતા. ત્યારે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 લોકોનાં મોત થયા હતા.

દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે થયેલા અકસ્માતમાં દાઝી ગયેલા 35 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માતમાં 25 લોકો 75 ટકા દાઝી ગયા છે. સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચેલા ઘણા મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. શુક્રવારે સવારે ભારત પેટ્રોલિયમનું ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. લગભગ 5.44 મિનિટે ટેન્કરે દિલ્હી પબ્લિક સ્કૂલની સામે યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન જયપુરથી અજમેર જઈ રહેલી એક ટ્રકે તેની સાથે અથડાયું હતું.

18 ટન ગેસ લીક ​​થયો
ગેઈલ ઈન્ડિયા લિમિટેડના ડીજીએમ (ફાયર એન્ડ સેફ્ટી) સુશાંત કુમાર સિંહે જણાવ્યું કે, ટક્કરને કારણે ટેન્કરની 5 નોઝલ તૂટી ગઈ અને 18 ટન (180 ક્વિન્ટલ) ગેસ લીક ​​થયો હતો. જેના કારણે એટલો જોરદાર વિસ્ફોટ થયો કે આખો વિસ્તાર આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ટેન્કરમાં વિસ્ફોટ થયો ત્યાંથી લગભગ 200 મીટર દૂર એલપીજી ભરેલું બીજું એક ટેન્કર હતું. સદનસીબે આગ લાગી ન હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુર આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઘાયલોના પરિવારજનોને 50,000 રૂપિયા આપવામાં આવશે. આ દરમિયાન સીએમ ભજનલાલે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ રીતે આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને કુલ 7 લાખ રૂપિયા મળશે. ઘાયલોને એક લાખ પચાસ હજાર રૂપિયા મળશે.