હવામાન વિભાગની હાડ થીજવતી આગાહી, 24 કલાક કોલ્ડવેવની અસર દેખાશે
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 24 કલાકને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘આગામી 24 કલાકને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, પોરબંદર અને કચ્ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા છે. તાપમાનમાં સામાન્ય કરતાં 4.5 ડિગ્રીનો ઘટાડો થતા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.’
તાપમાનની વાત કરવામાં આવે તો, નલિયામાં 6.4 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી, અમદાવાદમાં 13.4 અને ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.