January 6, 2025

બે દિવસ પહેલાં થયેલી હત્યામાં મોટો ખુલાસો, પતિએ જ ગળે ટૂંપો આપી પત્નીનું કાસળ કાઢ્યું

પ્રશાંત ગજ્જર, વડોદરાઃ શહેરના સમા વિસ્તારની ડિફેન્સ કોલોનીમાં પત્નીની આડાસંબંધની શંકા રાખીને પતિએ કેબલ વાયરનો ગળે ટૂંપો આપી પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે સમા પોલીસે હત્યાના ગુનામાં પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સમા વિસ્તારની ડિફેન્સ કોલોની-2માં રહેતી પૂર્ણિમાની તેના જ પતિ મનજીતસિંહ ધિલ્લોને કોઈ પરપુરુષ સાથે આડાસંબંધની શંકા રાખીને છેલ્લા ઘણા સમયથી તકરાર કરી રહ્યો હતો. તેવામાં બે દિવસ પહેલા જ તેના ઘરમાં પતિ મનજીત પત્ની પૂર્ણિમાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પૂર્ણિમાના પિતાએ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવના આધારે સમા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી.

ગઈકાલે ડિફેન્સ કોલોનીમાં રહેતા શ્રીધર પૂજારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી પૂર્ણિમા અને જમાઈ એની સાથે જ રહે છે. 12 તારીખના રાત્રિના એકથી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હોવાની ફરિયાદ આપી છે. બેભાન અવસ્થામાં દીકરી રૂમમાં સૂતી હતી, ત્યારે રૂટિન કાર્ય મુજબ શ્રીધરભાઈ નોકરીમાંથી સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયું તો દીકરી બેભાન અવસ્થામાં પડી હતી. જમાઈ ગઈ કાલે રાત્રે 1:00 વાગ્યાની આસપાસ આવ્યો હતો અને પછી ઘરમાં જોવા મળ્યો ન હતો. એટલે બેભાન અવસ્થામાં મળી આવતા પાડોશીઓ અને સબંધીઓને વાત કરતા બધા 108 એમ્બ્યુલન્સમાં પૂર્ણિમાને હોસ્પિટલ લઈ ગયા હતા અને 12 તારીખે જ આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એને મૃત જાહેર કરવામાં આવી હતી.

આરોપી મનજીતે છેલ્લા ત્રણ વર્ષથી લવમેરેજ કર્યા હતા અને ઘરજમાઈ તરીકે સાથે રહીને ડ્રાઇવિંગનું કામ કરે છે. મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, પૂર્ણિમા એક પ્રાઇવેટ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. છેલ્લા દોઢ-બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડાસંબંધોની આશંકા કરતો હતો અને અવારનવાર તેની સાથે તકરાર અને ઝઘડા કરતો હતો. તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ નોકરી પર ગયા હતા અને પછી આ બાબતેથી તકરાર થઈ હતી. તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને ટૂંપો આપી દીધો હતો અને તે ઘટના સ્થળેથી નાસી ગયો હતો. હાલ પતિની સમા પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.