રશેષ ગુજરાથી-ભુપેન્દ્ર રાવતની મિલીભગત, ગેરેજ-રાઇસ મિલના મજૂરોને ડોકટર બનાવ્યાં!
સુરતઃ પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બોગસ તબીબો ઝડપાયા બાદ તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, સુરતનો રસેશ ગુજરાથી અને અમદાવાદનો ભૂપેન્દ્ર રાવત 2002થી નકલી ડોક્ટર બનાવવાની યુનિવર્સિટી ચલાવતા હતા. આ યુનિવર્સિટી સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા કાજીના મેદાનમાં આવેલા એક નાનકડા એવા દવાખાનામાંથી ઓપરેટ થતી હતી અને આ સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ રસેશ ગુજરાથી છે.
પોલીસ દ્વારા રશેષની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો કે, તેણે સુરત શહેરના અલગ અલગ 30 વિસ્તારમાં ભુપેન્દ્ર રાવત સાથે મળીને 690 જેટલી બોગસ ડિગ્રી પૈસા લઈને લોકોને આપી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ બંને રાઈસ મિલમાં કામ કરતાં કામદારો તેમજ ગેરેજ ચલાવનારા લોકોને ડોક્ટરની ડિગ્રી આપી દઈ દવાખાનું ખોલવાની મંજૂરી આપી દીધી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સુરતમાંથી જે 690 બોગસ ડિગ્રી આપવામાં આવી છે. તેમાંથી સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 138 જેટલા ઈસમોએ આ ડોક્ટરની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત સુરતના ડીંડોલી વિસ્તારમાંથી 85, ઉધના વિસ્તારમાંથી 75, લિંબાયત વિસ્તારમાંથી 47, ગોડાદરાના ઔદ્યોગિક વિસ્તારમાંથી 37, અઠવા વિસ્તારમાંથી 15, ચોક બજાર વિસ્તારમાંથી 22, કતારગામ વિસ્તારમાંથી 14, સચિન વિસ્તારમાંથી 29, સલાબતપુરા વિસ્તારમાંથી 33, વરાછા વિસ્તારમાંથી 18, રાંદેર વિસ્તારમાંથી 15, પુણાગામ વિસ્તારમાંથી 21, લાલગેટ વિસ્તારમાંથી 12, મહીધરપુરા વિસ્તારમાંથી 5, અલથાણ વિસ્તારમાંથી 4, અડાજણ વિસ્તારમાંથી 6, ડુમસ-હજીરા વિસ્તારમાંથી 1-1, સરથાણા-સિંગણપોર-પાલ-ઉમરા અને ઉત્રાણ વિસ્તારમાંથી 3-3 લોકોએ આ રશેષ ગુજરાથી અને ભુપેન્દ્ર રાવત પાસેથી બોગસ ડિગ્રીઓ મેળવી હતી. આ તમામમાંથી ઘણા લોકો નકલી દવાખાનું ઊભું કરીને છેલ્લા બેથી દસ વર્ષથી પોતે ડોક્ટર હોવાનું જણાવી લોકોનો ઈલાજ કરતા હતા.