January 6, 2025

નશામાં ધૂત હતો કે પછી… બસ ચલાવતા જ નહોતી આવડતી? મુંબઈમાં ડ્રાઈવરે લીધા 7 લોકોના જીવ

Maharashtra: સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 49 લોકો ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. પાલિકાના એક અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બેસ્ટ બસના ડ્રાઇવરે રૂટ નંબર 332 પર વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ રાહદારીઓ અને કેટલાક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

જોકે, હવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કુર્લા બસ દુર્ઘટનામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. તે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે હળવા વાહનો એટલે કે કાર-વાન ચલાવતો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને બેસ્ટ (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. તેઓ 1 ડિસેમ્બરથી ફરજ પર હતા.

આ અકસ્માત સોમવારે રાત્રે 9:50 વાગ્યે એસજી બર્વે રોડ પર અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે, એલ વોર્ડની સામે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ કાબૂ બહાર ગઈ અને ભીડભાડવાળા વિસ્તારમાં ઘુસી ગઈ. આ દરમિયાન સ્પીડમાં આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આખરે બસ એક બિલ્ડીંગના આરસીસી કોલમ સાથે અથડાઈને થંભી ગઈ. પરંતુ બિલ્ડિંગની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 49 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તપાસ દરમિયાન અનેક પ્રકારના સવાલો ઉભા થવા લાગ્યા હતા. DCP ઝોન 5 ગણેશ ગાવડેએ કહ્યું- પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. બસને સ્થળ પરથી હટાવી લેવામાં આવી છે. બસની આરટીઓ તપાસ કરશે. મામલાની તપાસ ચાલુ છે. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે કેટલાકે કહ્યું કે આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ કાતિલ ઠંડી સહન કરવા તૈયાર રહેજો, આગામી 4 દિવસ છે ભારે

દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરને મોટું વાહન ચલાવવાનો અનુભવ નથી. તે 1 ડિસેમ્બરથી સરકારી બસ ચલાવતો હતો. હવે ડ્રાઈવરના ઓછા અનુભવને કારણે આવું થયું કે અકસ્માત પાછળ કોઈ અન્ય કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે. તેની પૂછપરછ ચાલુ છે.