BZ સ્કેમ મામલો મોટો ખુલાસો, આરોપીએ 39 લોકોને કરોડોનું રોકાણ કરાવ્યું
અમદાવાદઃ BZ સ્કેમ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. CID ક્રાઈમને રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટની તપાસ કરતા અનેક માહિતી મળી છે. આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે કુલ 39 રોકાણકારોને રોકાણ કરાવ્યું છે.
પરિવાર અને અન્ય લોકોનું 10 હજારથી લઈ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. મયુર દરજીએ 39 રોકાણકારોના કુલ 1,09,81,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીના SBI એકાઉન્ટમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના એકાઉન્ટના ખાતામાંથી કમિશન મળતું હોવાની એન્ટ્રી જોવા મળી હતી.
એકાઉન્ટમાંથી 15.60 લાખનું રોકાણકારોને રોકાણ કરાવી કમિશન પેટે મેળવ્યા હોવાનું ખૂલ્યું છે. રોકાણકારો નિવેદન આપવા અને ફરિયાદ લખાવવા માટે આવી રહ્યા છે. રોકાણકારોના નિવેદન અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવા હાલ કામગીરી ચાલુ છે. મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. CID દ્વારા કોર્ટમાં 39 રોકાણકારોના નામ અને રોકેલ રકમનો આંકડો સોગંદનામામાં રજૂ કર્યો છે.