પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની હરાજી, 12 હજારનું એક બોક્સ વેચાયું
પોરબંદરઃ માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે અને ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે હનુમાનગઢની કેસર કેરીનું બોક્સ 12,501 રૂપિયામાં વેચાયું હતું. ઉનાળાની સિઝન કરતાં પણ સારો સ્વાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચૂકવી રહ્યા છે.
પોરબંદરના બરડા ડુંગર નજીક આવેલા ખંભાળા, બિલેશ્વર, હનુમાનગઢ સહિતના ગામોમાં આવેલા આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમા કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. જેના કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં સતત આઠ-દસ દિવસથી કેરીની આવક જોવા મળી રહી છે અને કેસર કેરીનો ભાવ પણ સારો મળી રહ્યો છે. આજે શનિવારે કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી, જેની હરાજીમાં કિંમત 12,501 રૂપિયા મળી હતી. ફ્રૂટના વેપારી નિતિન દાસાણીના જણાવ્યા અનુસાર, હનુમાનગઢ મનસુખભાઇ લીલાભાઇ ઓડેદરાના બગીચાની કેસર કેરીનું બોક્સ હરાજીમાં આવ્યું હતું અને 12,501 રૂપિયામાં વેચાયું હતું.
આ બોક્સની ખરીદી પોરબંદરના મત્સ્યોઉદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઇ ગોહેલે કેરીના બોકસની ખરીદી કરી છે. ઉનાળામાં કેસર કેરીનો સ્વાદ હોય તેનાથી પણ સારો સ્વાદ હાલ શિયાળાના સમયમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે ઉનાળા કરતા દસ ગણો ભાવ કેસર કેરીનો ભાવ જોવા મળી રહ્યો છે. મનસુખભાઇ ઓડેદરાને 500થી વધારે આંબા છે, તેમાં હાલ 25 આંબામાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. આજે કેસર કેરીના બોક્સની આવક થતાં પેંડા વહેંચી અને ખુશી વ્યકત કરી હતી.