December 17, 2024

ગૌમાંસ પર પ્રતિબંધનો નિર્ણય માનો… નહીંતર પાકિસ્તાન જાઓ – આસામના મંત્રીનો કોંગ્રેસને પડકાર

Assam: આસામમાં રેસ્ટોરાં, હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ જાહેરાત કરી છે. અહીં આસામ સરકારના મંત્રીએ આસામ કોંગ્રેસને પણ પડકાર ફેંક્યો છે. આસામના મંત્રી પીયૂષ હજારિકાએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘હું આસામ કોંગ્રેસને પડકાર આપું છું કે કાં તો બીફ પરના પ્રતિબંધનું સ્વાગત કરે અથવા પાકિસ્તાનમાં જઈને સ્થાયી થાય.’

રાજ્ય કેબિનેટની બેઠકમાં ગૌમાંસના વપરાશ અંગેના વર્તમાન કાયદામાં સુધારો કરીને નવી જોગવાઈઓનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શર્માએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે રેસ્ટોરાં, હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગૌમાંસ અંગે પહેલાથી જ કડક કાયદો પસાર કરવામાં આવ્યો છે. જો કે, આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને અમે રાજ્યભરમાં જાહેર સ્થળોએ બીફ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

આસામ સરકાર દ્વારા રેસ્ટોરાં અને સાર્વજનિક સ્થળોએ બીફ ખાવા પર પ્રતિબંધ પર, આસામના દરંગ-ઉદલગુરીના બીજેપી સાંસદ દિલીપ સૈકિયાએ કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણયને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી નહીં પરંતુ ધાર્મિક આસ્થાના આદરથી જોવો જોઈએ. અંગત રીતે બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો: હિંદુઓના નરસંહારમાં મોહમ્મદ યુનુસ સામેલ… શેખ હસીનાના બાંગ્લાદેશ સરકાર પર પ્રહાર

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી સમગુરી વિધાનસભા સીટની પેટાચૂંટણી જીતવા માટે ભાજપ પર ગૌમાંસનું વિતરણ કરવાના આરોપનો જવાબ આપતા શર્માએ કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો તેનાથી તેઓ ખુશ છે. અગાઉ કોંગ્રેસ આ બેઠક પર સતત પાંચ વખત જીતી હતી. ગયા શનિવારે અહીં ભાજપની બેઠક બાદ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે સામગુરી બેઠક 25 વર્ષ સુધી કોંગ્રેસ પાસે રહી. સામગુરી જેવા મતવિસ્તારમાં 27,000 મતોના માર્જિનથી હારવું એ કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી મોટી શરમજનક બાબત છે. આ ભાજપની જીત કરતાં કોંગ્રેસની હાર વધુ છે.