January 7, 2025

ધાર્મિક સજા ભોગવી રહેલા પૂર્વ DyCM સુખબીર બાદલ પર કેમ કરવામાં આવ્યો હુમલો?

Punjab: પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર બુધવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ સુવર્ણ મંદિરમાં ‘સેવાદાર’ તરીકે સેવા આપી રહ્યા હતા. જો કે ત્યાં તૈનાત ખાનગી સુરક્ષા કર્મચારીઓને કારણે સુખબીર આ હુમલામાંથી બચી ગયા હતા.

સુખબીર બાદલ અમૃતસરના સુવર્ણ મંદિરની બહાર મુખ્ય દ્વાર પર ‘સેવાદાર’ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પગમાં ફ્રેક્ચર છે અને તેના કારણે તે વ્હીલચેર પર બેઠા હતા. આ દરમિયાન હુમલાખોર ત્યાં આવ્યો અને તેના પેન્ટના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારબાદ ત્યાં હાજર બાદલની અંગત સુરક્ષાએ હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન ગોળી સુખબીરની થોડે ઉપર દિવાલ સાથે વાગી હતી.

આ હુમલામાં સુખબીર બાદલ બચી ગયા હતા. હાલ હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. 68 વર્ષીય નારાયણ સિંહ છેલ્લા 2-3 દિવસથી સુવર્ણ મંદિરમાં આવી રહ્યા હતા. તેઓ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તે ખાલિસ્તાની સમર્થક પણ છે. તે ખાલિસ્તાની લિબરેશન ફોર્સ સાથે પણ સંકળાયેલો છે.

આ પણ વાંચો: સુખબીર સિંહ બાદલ પર હુમલો, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ફાયરિંગ

જીવલેણ હુમલાનું કારણ શું?
પરંતુ સવાલ એ થાય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર જીવલેણ હુમલાનું મુખ્ય કારણ શું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નારાયણ સિંહ અપમાનના મામલાને લઈને અકાલી નેતા સુખબીર બાદલથી ખૂબ નારાજ હતા. આ સિવાય તે 2007માં સલાબતપુરામાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ વિરુદ્ધ નોંધાયેલ કેસ પાછો ખેંચવાથી પણ નારાજ હતા. ત્યારે સુખબીર બાદલની પાર્ટી સત્તામાં હતી. રહીમ પર આરોપ હતો કે તેણે શ્રી ગુરુ ગોવિંદ સિંહનો વેશ ધારણ કરીને લોકોને અમૃત આપવાનું નાટક કર્યું હતું. આ સિવાય તેમના પર વોટ બેંક ખાતર પોતાના ધર્મ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ પણ લાગ્યો હતો.