મેડાગાસ્કર કિનારે બોટ અકસ્માતમાં 24ના મોત, 46ને બચાવી લેવાયા
Madagascar: હિંદ મહાસાગરમાં મેડાગાસ્કરના કિનારે બોટ અકસ્માતમાં 24 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકોને બચાવી લેવાયા છે. સોમાલિયા સરકારે રવિવારે આ જાણકારી આપી. સોમાલિયાના વિદેશ પ્રધાન અહેમદ મોલિમ ફિકીએ જણાવ્યું હતું કે, ‘અમે એ સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ કે બચાવાયેલા લોકોને સુરક્ષિત રીતે ઘરે લાવવામાં આવે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે.’
આ દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના મુસાફરો યુવાન સોમાલી નાગરિકો હતા. પરંતુ તેમની મુસાફરીનું સ્થળ હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, દર વર્ષે મોટી સંખ્યામાં યુવાન સોમાલીઓ વધુ સારી તકોની શોધમાં જોખમી મુસાફરી કરે છે.
આ પણ વાંચો: મેક્સિકોમાં ફરી હિંસા, બંદૂકધારીઓએ બારમાં ગોળીબાર કર્યો; 6 લોકોના મોત
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમાલિયાએ મેડાગાસ્કરમાં તેના રાજદૂતના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિનિધિમંડળ સોમવારે મેડાગાસ્કર પહોંચશે અને અકસ્માતની તપાસ કરશે. વિદેશ મંત્રી ફિકીએ એમ પણ કહ્યું કે સોમાલિયાના રાજદૂત મોરોક્કોના કિનારે ફસાયેલા સોમાલી યુવાનોની સ્થિતિની પણ તપાસ કરશે. જોકે આ ઘટના ક્યારે બની તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.