December 26, 2024

Vav Assembly By-election Result: ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત, કોંગ્રેસ-અપક્ષને પછાડ્યાં

Vav Assembly By-election Result: વાવની પેટાચૂંટણીનું રિઝલ્ટ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ભવ્ય જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલની કારમી હાર થઈ છે. ભાજપે કોંગ્રેસને 2353 મતથી હરાવી છે.

પહેલા રાઉન્ડથી લઈને 20મા રાઉન્ડ સુધી સતત કોંગ્રેસ લીડ મેળવતી રહી હતી. ત્યારબાદ અચાનક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આગળ વધ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી


કેમ યોજાઈ પેટાચૂંટણી?
ગેનીબેન ઠાકોર લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાતા વાવની બેઠક ખાલી પડી હતી. ત્યારે ચૂંટણીપંચે વાવ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને અને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. જ્યારે માવજી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.

વાવ બેઠકનો ઇતિહાસ
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભાની પ્રથમવાર 1985માં પરબત પટેલ કોંગ્રેસમાંથી જીતી આવ્યા હતા. 1990 માવજીભાઈ પટેલ જનતા દળમાંથી જીતી આવ્યા હતા. 1998માં રાજપૂત હેમાજી કોંગ્રેસમાંથી જીતી આવ્યા હતા. તો 2007માં પરબત પટેલ ભાજપમાંથી જીત મેળવી હતી.  ત્યારબાદ 2012માં શંકર ચૌધરી ભાજપમાંથી અને 2017 અને 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી જીતી આવ્યાં હતાં. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે. વાવ બેઠક પર સૌથી વધુ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે.