January 18, 2025

પટનામાં સ્કૂલ રિક્ષાને ટ્રકે ટક્કર મારી, 4 બાળકોના ઘટનાસ્થળે જ મોત; 9 ઘાયલ

Road Accident in Patna: પટનાના બિહતામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે. આઠ બાળકો અને સ્કૂલ રિક્ષા ચાલકની હાલત નાજુક છે. શુક્રવારે બપોરે તમામ બાળકો સનરાઈઝ સ્કુલથી રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ટુકડા થઈ ગયા હતા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. નજીકમાં લોકોની ભીડ હતી. અહીં, માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તમામ બાળકો બીજાથી પાંચમા ધોરણના હતા. તમામની ઉંમર સાતથી 10 વર્ષની વચ્ચે છે.

બાળકો બિહટાથી કન્હૌલી તરફ જઈ રહ્યા હતા
અહીં આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને હંગામો મચાવ્યો હતો. લોકોએ ટ્રક ચાલકની ધરપકડની માંગ શરૂ કરી. આ પછી પોલીસે લોકોને શાંત પાડ્યા હતા. દાનાપુર ડીએસપી 2 પંકજ મિશ્રા તેમની ટીમ સાથે મામલાની તપાસ કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે ડ્રાઈવર બિહટાથી રિક્ષામાં બાળકોને લઈને કન્હૌલી તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન બિહાર તરફ જઈ રહેલી એક ટ્રક સામેથી અથડાઈ હતી. જેમાં ચાર બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.