December 23, 2024

અયોધ્યાથી અડવાણી સુધી, PM મોદીની જીતના નવા સમીકરણો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગ્જ નેતા અને ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ સન્માન મેળવનારા તેઓ ભાજપના બીજા મોટા નેતા છે. અગાઉ આ પહેલા પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અડવાણીને આ સન્માન આપીને પીએમ મોદી અને તેમની સરકારે રામ મંદિરની સ્થાપના અને ભાજપના નિર્માણમાં તેમના યોગદાનનું સન્માન કર્યું છે.
દેશમાં અડવાણી અને રામમંદિર માટેના આંદોલન એકબીજાના પૂરક રહ્યા છે અને ભાજપ તેના માટે એક માધ્યમ રહ્યું છે. 2024ની ચૂંટણીઓ પહેલા જ્યાં રામ મંદિરનું નિર્માણ અને રામ લાલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી, તેના સ્વપ્નદ્રષ્ટા અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરીને પીએમ મોદીએ ચૂંટણીમાં ભાજપની જીતની હેટ્રિક જ નથી બનાવી. પરંતુ તમામ રાજકીય વિરોધીઓના મોં પણ બંધ કરી દીધા છે.

દિગ્ગજોનું સન્માન અને યુવાઓને માન
નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી વિરોધીઓ લાલકૃષ્ણ અડવાણી પર રાજનીતિ હડપ કરવાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાનો આરોપ લગાવી રહ્યા છે. ભાજપમાં મોદી અને શાહના કેન્દ્રમાં આવ્યા પછી અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને માર્ગદર્શક મંડળમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ અડવાણીને સર્વોચ્ચ સન્માનિત કરીને મોદી સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ વરિષ્ઠ વડીલોનું સન્માન કેવી રીતે કરવું તે જાણે છે અને યુવાનોને પણ માન આપવો તે પણ જાણે છે.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીઓ પછી જ્યારે ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની ત્યારે મોદી-શાહ અને નડ્ડાની આગેવાની હેઠળ ભાજપે યુવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો અને જાણીતા ઓછા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેના કારણે યુવાનોના મનમાં ભાજપ પ્રત્યે લગાવ થયો છે. ભાજપે નવા મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પસંદગીમાં સામાજિક સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.

આ પણ વાંચો : મોદી સરકારની જાહેરાત, લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન

નવા મતદારો પર નજર
વિવિધ પ્રયાસો દ્વારા ભાજપ મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતની કુલ અંદાજિત વસ્તી 137.63 કરોડ છે. જેમાં 87.75 ટકા લોકો મતદાન કરવા પાત્ર છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન અંદાજે 10 કરોડ મતદારો એવા હતા જેમણે પ્રથમ વખત મતદાન કર્યું હતું. વર્ષ 2018માં આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, ભારતની કુલ વસ્તીમાં 18 થી 19 વર્ષની વયના 4.85 કરોડ યુવાનો છે.

કર્પૂરી ઠાકુરના બહાને EBC પર નજર
લાલકૃષ્ણ અડવાણી પહેલાં મોદી સરકારે તાજેતરમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુર વાળંદ સમુદાયના હતા, જે અત્યંત પછાત જાતિ (EBC) શ્રેણી હેઠળ આવે છે. આ સમુદાય સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયો છે જેના કારણે મોદીએ EBC સમુદાયને પોતાના પક્ષમાં એકત્ર કરવાનો પ્રયાસ કર્યો છે. બિહારમાં આ વર્ગની વસ્તી 36 ટકા છે, જે નીતીશ કુમારની માટે મોટી વોટબેંક રહી છે. મોદીએ કર્પુરી અને નીતિશને સાથે લઈને આ 36 ટકા વસ્તીને એનડીએના પક્ષમાં લઈ જવાની રણનીતિ બનાવી છે.