November 19, 2024

શિવાલયમાં પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવતા મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વલસાડઃ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્ છે. હૃદયરોગના હુમલાથી વધુ એક કરૂણ મોત નીપજ્યું છે. શિવાલયમાં પૂજા કરી રહેલા વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવે છે અને ત્યાં જ તેનું કરૂણ મોત નીપજે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, હૃદયરોગના હુમલાને કારણે વ્યક્તિ પૂજા કરતી વખતે અચાનક ફ્લોર પર પડી ગયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થાય છે.

રોજ મંદિરે આરતી કરવા જતો
આ ઘટના પારનેરા ડુંગર પર આવેલા મહાદેવના મંદિરમાં બની હતી. હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કિશોરભાઈ પટેલ છે. કિશોરભાઈ પટેલ વલસાડના પારનેરા ટેકરી પર આવેલા મહાદેવજીના મંદિરે રોજ આરતી માટે જતા હતા. દરરોજની જેમ મંગળવારે પણ સવારે મહાદેવની આરતી કર્યા બાદ કિશોરભાઇ સવારે 6.48 કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તેમનું મૃત્યુ થયું.

મંદિર પરિસરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ત્રણ-ચાર લોકો પૂજા કરી રહ્યા છે. આ દરમિયાન કિશોરભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે. જેના કારણે તે જમીન પર પડી જાય છે. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાને પગલે મંદિરમાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને મંદિર પરિસરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કિશોરભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.