રવિ સિઝનની શરૂઆત થતાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંનું કર્યું વાવેતર

સંકેત પટેલ, મોડાસા: રવિ સિઝનની શરૂઆત થતાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવા લાગ્યા છે. પરંતુ આ વર્ષના રવિ સિઝનનું વાવેતર ખેડૂતોને મોંઘું થવાનું કારણ કે બિયારણનો ભાવ વધતા ખેડૂતોની ખેતી મોંઘી બની છે.
ખેડૂતો થયા પરેશાન
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો રવિ સિઝનની વાવણીમાં જોતરાયા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ 1 લાખ કરતા વધુ હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોએ ઘઉંના વાવેતરની શરૂઆત કરી છે. ત્યારે ઘઉંના બિયારણ નો ભાવ 20 કિલોના 400 રૂપિયા જેટલો વધ્યો છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગયા વર્ષેની સરખામણીમાં લોકવાન ઘઉંના બિયારણનો ભાવ ₹1,600 હતો. તે વધીને 2000 રૂપિયા પ્રતિ 20 કિલોનો થયો છે. આજ રીતે ઘઉંની અલગ અલગ જાતના બિયારણોના ભાવ વધ્યા છે. જેને પગલે ખેડૂતોની ખેતી ખુબજ મોંઘી બની છે. જેથી ખેડૂતો પરેશાન છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, સાત હોસ્પિટલોને કરાઈ સસ્પેન્ડ
ભાવ જાહેર કરાય તેવી માંગ
બીજી બાજુ ચોમાસા સિઝનમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. તેનું વળતર પણ મળ્યું નથી. તેવા સંજોગોમાં રવિ સિઝનમાં ખેડૂતોએ ઘઉં પાકની વાવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ઘઉંના બિયારણનો ભાવ વધતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા વધતા ભાવોને ધ્યાને રાખી ટેકાનો ભાવ જાહેર કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.