December 21, 2024

મણિપુરમાં સુરક્ષા દળોનું મોટું સર્ચ ઓપરેશન, 5 બંકર અને 2 બેરેક મળી

Manipur: મણિપુરમાં હિંસાની ઘટનાઓને કાબૂમાં લેવા માટે રાજ્ય પોલીસ સતત ઓપરેશન ચલાવી રહી છે. આ મામલે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ 5 બંકર, 2 બેરેક અને 1 વોશરૂમનો નાશ કર્યો. મણિપુર પોલીસનું કહેવું છે કે સુરક્ષા દળોએ પહાડી અને ખીણ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ શ્રેણીમાં ગયા શનિવારે સુરક્ષા દળોએ કાંગપોકપી જિલ્લાના આઇગેજાંગ અને લોઇચિંગ વચ્ચે 5 બંકરો, 2 બેરેક અને 1 શૌચાલયનો નાશ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્થળોએથી એક-એક ઇન્સાસ રાઇફલ અને 12 બોરની બંદૂક મળી આવી છે. તેમજ 7.62 એસએલઆરના 11 ખાલી કેસો, કન્વર્ટર સાથેની સોલાર પ્લેટ, 28 ધાબળા, 8 મચ્છરદાની, 1 ખાટલો, 1 જોડી ચંપલ, 6 ટી-શર્ટ અને અન્ય સામગ્રી મળી આવી છે.

મણિપુરની સ્થિતિને લઈને સોમવારે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ ઉપરાંત ગુપ્તચર વિભાગના ટોચના અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યમાં સુરક્ષા દળોની વધારાની તૈનાતીની પણ સમીક્ષા કરી.

આ પણ વાંચો: પ્રદુષણે વધાર્યું દિલ્હીવાસીઓનું ટેન્શન, AQI 500ને પાર; ઓરેન્જ એલર્ટ જારી