December 23, 2024

સુરતમાંથી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાંથી વધુ એક હાઇપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું છે. વેસુના સફલ ઓયો રૂમમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. મુંબઈથી હાઇપ્રોફાઇલ લલનાઓ લાવીને અહીં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

મળતી માહિતી પ્રમાણે, મુંબઈની લલનાઓનાં ફોટોગ્રાફ્સ મોકલી ગ્રાહકને હોટેલમાં બોલાવવામાં આવતા હતા. ઓયો હોલમાં મેનેજર સહિત ચાર લોકોની પોલીસે અટકાયત કરી છે. રૂપિયા 15 હજાર સુધીની રકમ વસૂલી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. અંગદ કુમાર પ્રજાપતિ અન્ય રાજ્યમાંથી યુવતી લાવી કુટણખાનું ચલાવતો હતો.

દેહવ્યાપારમાં યુવતીઓની હેરફાર કરનારા નયન ઉર્ફે કાકા, ફોટા મોકલનારા બ્રિજેશ સહિત હોટેલ માલિક બ્રિજેશ દશરથ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉમરા પોલીસે રાજેશ રામચંદ્ર મહંતો, યોગેન્દ્રસિંઘ રાધેશ્યામસિંઘ, ગ્રાહક નિમેષ પ્રાગજીભાઈ દિયોરા સહિત હોટેલ મેનેજર સંદીપ રાજેન્દ્ર પ્રસાદની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હોટેલનું લાયસન્સ રદ કરવા માટે પાલિકાને રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ સેક્સ રેકેટનો સંચાલક અંગદ છે અને પોલીસના હાથે ઝડપાયેલો રાજેશ અને રામચંદ્ર બને અંગદ માટે કામ કરે છે. ત્યારબાદ નયન ઉર્ફે કાકા આ લલનાને સાચવતો હતો અને ત્યારબાદ આ લલનાને લાવવા લઈ જવાનું કામ યોગેન્દ્ર સંભાળતો હતો. યોગેન્દ્ર હોટલના માલિક બ્રિજેશ પટેલ અને મેનેજર સંદિપ સાથે રૂમનું સેટિંગ કરી રાખ્યું હતું અને લલનાઓને ગ્રાહક સાથે હોટલની સુવિધા પણ કમિશન પેટે યોગેન્દ્ર સિંહ કરી આપતો હતો. તેના બદલામાં મેનેજર દ્વારા ગ્રાહક અને લલના પાસેથી આઈડી પ્રૂફ પણ આ હોટલમાં લેવામાં આવતું ન હતું અને હોટલમાં તેની રજિસ્ટર એન્ટ્રી પણ કરવામાં આવતી ન હતી. અંગદ સાથે કામ કરતી લલના માટે ગ્રાહક શોધવાનું કામ બ્રિજેશ કરતો હતો અને બ્રિજેશ આ લલનાનાં ફોટા ગ્રાહકોને પણ મોકલતો હતો.