December 27, 2024

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીત બાદ ભવ્ય શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ

Us Election 2024: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઐતિહાસિક જીત બાદ તેમના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેશે. આ માટે ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહ અને અન્ય કાર્યક્રમોની યોજના બનાવવા માટે એક સમિતિની રચના કરી છે. આ કમિટી ટ્રમ્પની ભવ્ય ઉજવણી માટે જરૂરી તમામ પગલાં લેવા અંગે સૂચનો આપશે અને આ અંગે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે.

દેશમાં તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પે જંગી જીત મેળવી છે. તેઓ દેશના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. અત્યાર સુધીમાં તેમને 312 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ બનવા માટે માત્ર 270 ઈલેક્ટોરલ વોટની જરૂર પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આઉટગોઇંગ પ્રેસિડેન્ટ જો બાઇડેનનું સ્થાન લેશે. ‘ટ્રમ્પ વેન્સ ઉદ્ઘાટન સમિતિ’ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરશે અને ટ્રમ્પના નજીકના મિત્ર સ્ટીવ વિટકોફ અને સેનેટર કેલી લોફલર તેની સહ-અધ્યક્ષતા કરશે.

ટ્રમ્પે કહ્યું- જનતાએ અસાધારણ સન્માન આપ્યું
ટ્રમ્પે કહ્યું, “ચૂંટણીની રાત્રે અમે ઈતિહાસ રચ્યો અને મને યુનાઈટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને અસાધારણ સન્માન મળ્યું છે. “આનો શ્રેય દેશભરના લાખો મહેનતુ અમેરિકનોને જાય છે જેમણે અમારા ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાને સમર્થન આપ્યું હતું.” તેમણે કહ્યું કે આ કમિટી આ ભવ્ય વિજયની ઉજવણી માટે એક સમારોહનું આયોજન કરશે. ટ્રમ્પે કહ્યું, “આ મારા વહીવટની શરૂઆત હશે જે અમેરિકાને ફરીથી મહાન બનાવવાના તેના વચનોને પૂર્ણ કરશે.” અમે આ ક્ષણ સાથે મળીને ઉજવીશું અને પછી અમારા લોકો માટે કામ કરીશું.