તાપીમાંથી નગ્ન હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો, પરિવારજનોનો દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનો આક્ષેપ
સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા થઈ હતી. ત્યારબાદ તેનો તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો છે.
નદીમાંથી લાશ મળી ત્યારે લાશ પર એકપણ કપડું ન હોવાથી યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારજનો ન્યાયની માગ સાથે મૃતદેહ લઈને કાપોદ્રા પહોંચ્યા હતા. મૃતક યુવતી વાલ્મિકી સમાજની દીકરી હોવાથી સમાજના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.
યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા કરીને તાપીમાં ફેંકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવતીના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ મામલે ન્યાયની માગણી સાથે વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા છે.