December 23, 2024

ડ્રોનની મદદથી વિદ્યાર્થીઓ કરે છે હજારો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ડ્રોનનો ઉપયોગ હવે વિવિધ ક્ષેત્રમાં થઈ રહ્યો છે. પહેલા લગ્ન કે પછી સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે તે એગ્રિકલ્ચર ક્ષેત્રમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરે ત્યારે કેવી નોકરી મળશે તેની ચિંતા રહેતી હતી, પરંતુ હવે તો અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ કમાણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ડ્રોનના ઉપયોગથી મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ખેતીના ક્ષેત્રમાં ડ્રોન ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડ્રોન ટેકનોલોજીના અભ્યાસની સાથે મહિને 40થી 45 હજારની કમાણી કરી રહ્યા છે. યુનિવર્સિટીના ડ્રોન ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 150 વિદ્યાર્થીઓ એગ્રિકલ્ચર ડ્રોનના માધ્યમથી અભ્યાસની સાથે કમાણી કરી રહ્યા છે. એગ્રિકલ્ચર ડ્રોનથી રાજ્યના 32 જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ડ્રોન મારફતે ખેતરમાં દવાનો છંટકાવ કરીને મહીને હજારો રૂપિયા કમાઈ રહ્યા છે.

યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાવવાની પણ તાલીમ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તેઓ ખેતરમાં જઇને ખેડૂતોને મદદ કરી રહ્યા છે. ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં વિદ્યાર્થી રોનક ચૌહાણે જણાવ્યુ હતુ કે, ડ્રોન પાયલોટ તરીકે તેઓ મહિને 40થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે અને ડ્રોનથી ખેડુતોને વિશેષ ફાયદો થાય છે. ખેડૂતને સર્પદંશથી બચાવી શકાય છે, ઉપરાંત પાણીનો બગાડ પણ અટકે છે.

ડ્રોન લેબથી ટેકનોલોજી ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો માટે પણ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. સિલ્વર ઓક યુનિવર્સિટીના કુલપતિએ ડો. સૌરીન શાહે જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે ખેડૂત પોતાની જાતે દવાનો છંટકાવ કરતા હોય, ત્યારે દવા છાંટતી વખતે જોખમી કેમિકલ જીવલેણ સાબિત થતા હોય છે. આ ઉપરાંત સાપના ડંખ મારવાના પણ કિસ્સાઓ સામે આવે છે. તેમજ ડ્રોનથી યુનિફોર્મલી સ્પ્રે થતા દવા તમામ જગ્યા પર સરખી સ્પ્રે થાય છે.

સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા 150 વિદ્યાર્થીઓને ડ્રોન પાયલોટની ટ્રેનિગ આપીને 15 હજાર એકર જમીન પર દવા અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પણ મદદ મળી છે. આ ઉપરાંત ખેડુતોને પણ ફાયદો થયો છે. ડ્રોનની મદદથી જ્યાં એક હજાર લીટર પાણીની જરૂરીયાત હોય ત્યારે ડ્રોન મારફતે 100 લીટર પાણીની જ જરૂર રહેતા પાણીનો બચાવ થાય છે.