January 16, 2025

દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત, આનંદ વિહારમાં AQI 532 તો ઉત્તર ભારતના ચાર શહેરમાં 300 પાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના પાંચ મોટા શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને વટાવી ગયો છે. સૌથી ખરાબ સ્થિતિ રાષ્ટ્રીય રાજધાનીની છે. અહીં રવિવારે સરેરાશ હવાની ગુણવત્તા 382 પર પહોંચી ગઈ હતી, જે ગંભીર શ્રેણીની નજીક છે, જે દેશમાં સૌથી વધુ છે. નોઈડા 313ના AQI સાથે NCRમાં બીજા ક્રમે છે.

દિલ્હી સિવાય ઉત્તર ભારતના મુખ્ય શહેરો જ્યાં AQI 300થી વધુ હતો, તેમાં હરિયાણાના બહાદુરગઢ (335) અને સોનીપત (321), યુપીના મુઝફ્ફરનગર (302) અને રાજસ્થાનના શ્રીગંગાનગર (327)નો સમાવેશ થાય છે. દિલ્હીના આનંદ વિહારમાં સવારે 9 વાગ્યે 532નો AQI નોંધ્યો હતો.

અહીં સરેરાશ AQI 436 હતો, જ્યારે અન્ય ચાર કેન્દ્ર અશોક વિહારમાં 421, જહાંગીરપુરીમાં 414, દ્વારકા સેક્ટર-8માં 410 અને બવાનામાં 405 નોંધાયો હતો. આનંદ વિહાર સહિત 14 વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં નોંધાયો હતો. ઓખલા વિહાર સહિત 20 વિસ્તારોમાં AQI 300થી વધુ રહ્યો. વધતા પ્રદૂષણને કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

બે દિવસ સુધી હવા ખૂબ જ ખરાબ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવાર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેશે. રવિવારે પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. જો આ જ સ્થિતિ આગામી બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તો હવાની ગુણવત્તામાં સુધારો થવાની આશા ઓછી છે. ત્યારે સવારે હળવા ધુમ્મસની સંભાવના છે.