November 5, 2024

અમદાવાદમાં બેસતું વર્ષ લોહીલુહાણ, શાહીબાગ-ખોખરામાં હત્યા

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં તહેવારો લોહીલુહાણ થયા છે. એક જ દિવસમાં શહેરમાં બે હત્યાના બનાવો બન્યા છે. જેમાં શહેરના શાહીબાગ અને ખોખરા વિસ્તારમાં બે યુવકોની હત્યા કરવામાં આવી છે. તો અન્ય એક યુવક હજી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, હુમલામાં સારવાર લેવા હોસ્પિટલ પહોંચેલા યુવક પર ફરી વખત હોસ્પિટલમાં જ હુમલો કરી હત્યા કરવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શાહીબાગમાં હત્યાના કુખ્યાત આરોપીએ વધુ એક હત્યા કરીને સાગરીતો સાથે ફરાર થયો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની વાત કરીએ તો શહેરકોટડામાં મેમકોના પ્રેમનગરમાં રહેતા આલોક કુસવાહનું તેમના પડોશમાં રહેતા ગોલુ તોમર સાથે ઝઘડો થયો હતો અને તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત આલોકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે આરોપી પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુ તોમર, દિપુ તોમર, બબલુ ઉર્ફે બચુ તોમર અને અજાણ્યા શખ્સ છરી લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સમાંથી આલોકને બહાર કાઢીને છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી હત્યા કરીને ફરાર થઈ જતા શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, હોસ્પિટલમાં જ હુલમો થતા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

એક તરફ શાહીબાગમાં પોલીસ હત્યાની તપાસ કરતી હતી. ત્યાં જ શહેરના ખોખરા વિસ્તારમાં પુજાલાલની ચાલી તથા જયંતી વકીલની ચાલીમાં બે મહિના પહેલા થયેલા મનદુખમાં અજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. બે મહિના પહેલા રિક્ષાચાલકને આરોપી સાથે તકરાર થતા મૃતક અને તેના ભાઈએ બચાવ્યો હતો. જેનું મનદુખ રાકી સુચીત મરાઠી, પપ્પુ મરાઠી, સીંધુ મરાઠી અને પિયુષ મરાઠીએ ગઈકાલે રાતે હુમલો કરતા અજય મકવાણાનું મોત થયું છે. જો કે, હુમલામાં સુચિતને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે હત્યાના પ્રયાસમાં મૃતક અજય, તેનો ભાઈ મેહુલ અને અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

શહેરમાં દિવાળીના તહેવારની એક જ રાતમાં બે પરિવારોએ ઘરમાં અજવાળું દિપક સમાન પુત્રો ગુમાવ્યા છે. આ અંગે કાયદો તો કાયદાનું કામ કરશે. પોલીસ આરોપી પણ પકડી તેમને જેલ હવાલે કરશે. પરંતુ દર વર્ષે આવતી દિવાળી પરિવારના સભ્યો તેમના પુત્રના વિયોગમાં જ રહેશે અને આ તહેવાર તેમના પરિવાર માટે દુખ આપનાર બન્યો છે.