November 1, 2024

તિરુમાલા મંદિરમાં કામ કરનારા બધા હિંદુ હોવા જોઈએ – TTD બોર્ડના નવા અધ્યક્ષ

Tamil Nadu: વિશ્વ પ્રસિદ્ધ પ્રસાદમ (લાડુ)માં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતા વિવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરુવારે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુમાલામાં કામ કરતા તમામ લોકો હિંદુ સમુદાય હોવા જોઈએ. અમે અહીં કામ કરતા બિન-હિંદુઓ અંગે આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાત કરીશું.

હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતા, બીઆર નાયડુએ એમ પણ કહ્યું કે તેઓ આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાત કરશે કે અન્ય ધર્મના કર્મચારીઓ સાથે કેવું વર્તન કરવું. તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવા જોઈએ કે પછી તેમને VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, VRS) આપવામાં આવે. તિરુમાલામાં કામ કરતા હિંદુઓ વિશે તેમણે કહ્યું, “તિરુમાલામાં કામ કરનાર દરેક વ્યક્તિ હિંદુ હોવો જોઈએ. આ દિશામાં કામ કરવાનો આ મારો પ્રથમ પ્રયાસ હશે. આમાં ઘણા મુદ્દાઓ છે. આપણે આના પર ઘ્યાન આપવું પડશે.”

મંદિરની પવિત્રતાની રક્ષા થવી જોઈએઃ નાયડુ
TTD બોર્ડના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક પર ભગવાન વેંકટેશ્વરના ભક્ત નાયડુએ કહ્યું કે તેઓ TTD બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવાને એક વિશેષાધિકાર માને છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યની NDA સરકારના અન્ય નેતાઓનો પણ તેમને બોર્ડના વડા તરીકે જવાબદારી આપવા બદલ આભાર માન્યો હતો.

જો કે, બીઆર નાયડુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુમાલામાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી હતી. તેમણે કહ્યું, “મંદિરની પવિત્રતાની રક્ષા થવી જોઈએ. હું મારી ફરજો ઈમાનદારી અને પારદર્શિતા સાથે નિભાવીશ.”

આ પણ વાંચો: દિવાળીમાં અમદાવાદની હવા થઈ પ્રદુષિત, AQI 200ને પાર

બીઆર નાયડુ એક મહત્વપૂર્ણ મીડિયા વ્યક્તિત્વ છે જે એક હિંદુ ભક્તિ ચેનલ સહિત તેલુગુ ટીવી ચેનલ ચલાવે છે. પ્રસાદ વિવાદ પ્રકાશમાં આવ્યાના દિવસો પછી આંધ્ર પ્રદેશ સરકારે બુધવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) માટે 24 સભ્યો સાથે નવા બોર્ડની સ્થાપના કરી. આ બોર્ડ તિરુમાલા તિરુપતિના વિશ્વ પ્રસિદ્ધ બાલાજી મંદિરનું સંચાલન કરે છે.

નાયડુ સરકારે BR નાયડુને નવા રચાયેલા TTD બોર્ડના અધ્યક્ષ બનાવ્યા છે, જ્યારે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના સહ-સ્થાપક અને MD સુચિત્રા ઈલાને તેના 24 સભ્યોમાં સામેલ કરવામાં આવ્યા છે.