November 25, 2024

પાટણમાં દિવાળીના દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન

ભાવેશ ભોજક, પાટણ: દિવાળીના પાવન દિવસે ચોપડા પૂજનનું વિષેશ મહત્વ રહેલું છે. ત્યારે આજે પાટણ શહેરની વિવિધ વેપારી પેઢીઓના વેપારીઓએ શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરી હતી. ત્યારબાદ, મંત્રોચ્ચાર સાથે વિધિવત ચૂડાઓનું પૂજન કર્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે વર્તમાન આધુનિક આઈટી યુગમાં દુનિયા જ્યારે આંગળીઓના ટેરવે સીમિત બની છે. ત્યારે આજે પણ વર્ષો જૂની હિસાબો લખવાની પરંપરા પાટણમાં અકબંધ જોવા મળી છે. દિવાળીના દિવસે વેપારીઓ દ્વારા શહેરની વિવિધ ચોપડાઓની દુકાનોમાંથી ચોપડાઓની ખરીદી કરી હતી. શહેરની વિવિધ ચોપડાની દુકાનોમાં વિવિધ પેઢીઓના વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબના હિસાબના ચોપડાઓ ખરીદવા માટે ચોપડાઓની દુકાને પહોંચ્યા હતા. જેને લઇને દૂકાનો ઉપર ભારે ધસારો જોવા મળ્યો હતો.

પાટણમાં વર્ષ દરમ્યાન વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓએ આજના દિવસે શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરી હતી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષના ધંધા રોજગાર ના શ્રી ગણેશ કર્યા હતા.આજે પણ ભારત દેશ મા તેની પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે.