December 22, 2024

યુ-વિન પોર્ટલ લોન્ચ: પીએમ મોદીએ કહ્યું, “આ દિવાળી ઐતિહાસિક છે”

PM Modi Launched U-Win Portal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્વંતરી જયંતિ અને 9માં આયુર્વેદ દિવસ પર નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (AIIA) ખાતે રૂ. 12,850 કરોડથી વધુના આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંગળવારે દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને મનસુખ માંડવિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે આજે સમગ્ર દેશમાં ધનતેરસ અને ભગવાન ધન્વંતરિની જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું તમને બધાને ધનતેરસ અને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિની શુભેચ્છા પાઠવું છું. તેમણે વધુમાં જણાવ્યું કે આજે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર માટે કંઈક નવું ખરીદે છે. હું ખાસ કરીને દેશના વ્યાપારી લોકોને મારી શુભકામનાઓ આપું છું.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે આ દિવાળી ઐતિહાસિક છે. 500 વર્ષ બાદ આવો અવસર આવ્યો છે જ્યારે અયોધ્યામાં તેમના જન્મસ્થળ પર બનેલા રામલલાના મંદિરમાં હજારો દિવડા પ્રગટાવવામાં આવશે. એક અદ્ભુત ઉજવણી કરવામાં આવશે. આ એવી દિવાળી હશે જ્યારે આપણા રામ ફરી એકવાર તેમના ઘરે આવશે. આ વખતે આ રાહ 500 વર્ષ બાદ પૂર્ણ થઈ છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે આપના સૌના માટે ખુશીની વાત છે કે આજે 150થી વધુ દેશોમાં આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પુરાવો છે કે આયુર્વેદને લઈને વૈશ્વિક આકર્ષણ વધી રહ્યું છે. આ પ્રમાણ છે કે નવું ભારત પોતાના પ્રાચીન અનુભવોથી વિશ્વને કેટલું બધુ આપી શકે છે.